અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે કરી આત્મહત્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Dec 2020 09:07 PM (IST)
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવ દીધો હતો. કોન્સ્ટેબલના આપઘાતથી પોલીસ બેડામાં ચકચાર મચી છે.
અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવ દીધો હતો. કોન્સ્ટેબલના આપઘાતથી પોલીસ બેડામાં ચકચાર મચી છે. સેટેલાઇટ પોલીસે આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મળતી વિગત મુજબ વસ્ત્રાપુર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને સેટેલાઈટના પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા શુભ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ ડાભીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સેટેલાઇટ પોલીસે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જાણવા મળ્યું છે કે, મૃતક કોન્સ્ટેબલ વિશાલની બે મહિના પહેલા જ ખેડાથી અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી. કોરોના કાળમાં પોલીસ પર કામગીરીનું ખૂબ જ ભારણ છે. પોલીસને રાઉન્ડ ધી ક્લોક નોકરી આપવામાં આવે છે. પોલીસ જવાનોની રજા પર પણ કાપ મુકાયો છે. ત્યારે કામના ભારણથી કોન્સ્ટેબલ વિશાલ ડાભીએ આ પગલું ભર્યું હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. તેથી સેટેલાઇટ પોલીસે આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.