અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. આ માહોલમાં મંગળવારે અચાનક જ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્વર વિજય નહેરાએ પોતાને  કોરોનાનો ચેપ લાગી ગયો હોવાનું કારણ જાહેર કરીને હોમ ક્વોરન્ટાઇનમાં જવાની જાહેરાત કરતાં આશ્ચર્ય થયું.


વિજય નહેરાના સ્થાને ગુજરાત સરકારનામહેસૂલ વિભાગના  એડિશનલ ચીફ કમિશ્નર મુકેશ કુમારને અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર બનાવાયા છે.  મુકેશ કુમારને  અમદાવાદના કમિશનર તરીકેની જવાબદારી અદા કરવામાં મદદ કરવા માટે તેમની સાથે રાજીવ કુમાર ગુપ્તાને પણ વિશેષ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સમગ્ર રાજ્યના કોરોનાની સ્થિતિનું નિયંત્રણ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે.

જો કે વધારે ચર્ચા વિજય નહેરાના હોમ ક્વોરેન્ટાઈન થવાના નિર્ણયની છે. વિજય નહેરાએ ટ્વિટ કરીને જાહેરાત કરી હતી કે, હું ફિલ્ડ વર્ક દરમિયાન બે વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો કે જેમના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. હાલની ગાઈડ લાઈન પ્રમાણે, મને 14 દિવસ માટે સેલ્ફ આઈસોલેશનમાં જવાની સલાહ અપાઈ છે. કોવિડ 19 સામેની લડાઈમાં બહુ જલદી પાછો જોડાઈશ.