અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાનું સંક્રમણ (Coronavirus) ઘટી રહ્યું છે. આ દરમિયાન કોરોનાથી મુક્ત થયેલા ઘણા લોકોમાં મ્યુકોરમાઈકોસીસનો (Mucormycosis) ભોગ બની રહ્યા છે. રાજ્યના અનેક શહેરમાં આ રોગના કિસ્સા સામે આવ્યા છે. જેને લઈ રૂપાણી સરકારે (Rupani Government) મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ માટે મહાનગરોની સિવિલ હોસ્પિટલોમાં (Civil Hospital) અલગ વોર્ડ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત સરકારે પાંચ હજાર ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે.
આ શહેરોમાં શરૂ થશે અલગ વોર્ડ
કોરોના પછી દરદીઓમાં મ્યુકોરમાઈકોસિસના વધી રહેલા વ્યાપને અંકુશમાં લેવા માટે અને તેનો અકસીર ઈલાજ થઈ શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની હોસ્પિટલ્સમાં અલગ વિભાગ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. આ આયોજના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરની સિવિલ હોસ્પિટલ્સમાં મ્યુકોરમાઈકોસિસ ના દર્દીઓ માટે અલાયદા વોર્ડ્સ શરૂ કરવામાં આવશે.
કેવી રીતે વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે આ રોગ
મ્યુકોરમાઈકોસિસ રોગ વધુ ફેલાતો અટકાવવા માટે દર્દીઓને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમ જ મ્યુકોરમાઈકોસિસ ની સારવાર માટે રૂ. ૩ કરોડ ૧૨ લાખના ખર્ચે એમ્ફોટિસીરીનના ૫૦૦૦ ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસ ના ૧૦૦થી વધુ કેસ ધ્યાનમાં આવ્યા છે. અમદાવાદ સિવીલ હોસ્પીટલમાં મ્યુકોરમાઈકોસિસ ના સંક્રમિતોની સારવાર માટે ૬૦-૬૦ બેડ સાથેના બે અલાયદા વોર્ડ શરૂ કરાયા છે અને ૧૯ જેટલા દર્દીઓને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે. મ્યુકોરમાઈકોસિસ ના રોગનો વ્યાપ વધે નહિ તે માટે આરોગ્ય તંત્ર શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લે તેવી તાકીદ પણ કરી છે. જવલ્લે જ જોવા મળતો મ્યુકોરમાઈકોસિસ ફુગથી થતો એક ગંભીર રોગ છે. મ્યુકરમાઈકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકોરમાઈકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકરમાઈકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ પ્રસરવા લાગે છે.
કોને રોગ થવાની વધુ હોય છે સંભાવના
મ્યુકોરમાઈકોસિસ ના રોગનો શિકાર બની શકે તેવા હાઇ રિસ્ક ગુ્રપમાં અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ અપાયું હોય, ભેજવાળો ઓક્સિજન લેનારી, કુપોષિત કે અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિનો સમાવેશ થાય છે આ કેટેગરીમાં આવતા તમામને મ્યુકોરમાઈરોસિસ રોગ થવાની સંભાવના વધુ છે. આ મ્યુકોમાયરોસિસ રોગની અસર તેમજ સારવાર, માર્ગદર્શન રાજ્યના વરિષ્ઠ તજજ્ઞા તબીબો દ્વારા લોકોને મળી રહે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવા માટે પણ આરોગ્ય વિભાગને સૂચવ્યું હતું.