અમદાવાદઃ વિજય રૂપાણીએ આજે શુક્રવારે 7 ઓગસ્ટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર વર્ષ પૂરાં કર્યાં છે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત ચાર વર્ષ પૂરા કરનારા તેઓ પાંચમાં મુખ્યમંત્રી બની ગયા છે. આ પહેલાં હિતેન્દ્ર દેસાઈ, માધવસિહં સોલંકી, અમરસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદી જ એવા મુખ્યમંત્રીઓ આવ્યા કે જેમણે સળંગ ચાર વર્ષ સત્તા ભોગવી હોય.

ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ ત્યારથી અત્યારસુધી ગુજરાત કુલ 16 મુખ્યમંત્રી જોઇ ચૂક્યું છે. આ 16 મુખ્યમંત્રીમાંથી  ચાર જ મુખ્યમંત્રી એવા છે જેઓ પોતાના કાર્યકાળમાં સતત ચાર વર્ષ પૂરા કરી શક્યા છે.

આનંદીબહેન પટેલે 22 મે 2014થી 7 ઓગસ્ટ 2016 એમ કુલ 2 વર્ષ 77 દિવસ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ સંભાળ્યો હતો. તેમના સ્થાને 7 ઓગસ્ટથી 2016થી વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકેની જવાબદારી અદા કરી રહ્યા છે.

સળંગ ચાર વર્ષ પૂરાં કરનારા મુખ્યમંત્રીઓમાં હિતેન્દ્ર દેસાઇ 3 એપ્રિલ 1967થી 12 મે 1971 (4 વર્ષ 1 મહિના 9 દિવસ), માધવસિંહ સોલંકી  7 જૂન 1980થી 10 માર્ચ 1985 ( 4 વર્ષ 9 મહિના 3 દિવસ), અમરસિંહ ચૌધરી 6 જુલાઇ 1985થી  9 ડિસેમ્બર 1989 (4 વર્ષ 5 મહિના 3 દિવસ), નરેન્દ્ર મોદી 22 ડિસેમ્બર 2002થી 22 મે 2014 (11 વર્ષ 5 મહિના)નો સમાવેશ થાય છે.