અમદાવાદઃ ગુજરાતમાં વિજય રૂપાણીના સ્થાને કોને મુખ્યમંત્રી બનાવવા તેના મનોમંથનમાં ભાજપના નેતા વ્યસ્ત છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના નિવાસસ્થાને બેઠકો પર બેઠકો થઈ રહી છે ત્યારે રાજ્યના રખેવાળ મુખ્યમંત્રી નિમાયેલા વિજય રૂપાણી આ બધી બાબતોથી અલિપ્ત થઈ ગયા છે.


મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે અમદાવાદના બોડકદેવમાં આવેલા જૈન દેરાસરમાં પહોંચ્યા હતા. રખેવાળ મુખ્યમંત્રી તરીકે  સમગ્ર પોલીસ કાફલા સાથે બોડકદેવ પહોંચેલા વિજય રૂપાણીએ બોડકદેવ સ્થિત જૈન દેરાસરમાં તીર્થંકરોનાં દર્શન કર્યાં હતાં. સાથે સાથે ઉપવાસ કરનારા શ્રધ્ધાળુઓને પારણાં પણ કરાવ્યાં હતાં.


વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ નવા મુખ્યમંત્રી અંગે આજે રવિવારે નિર્ણય લેવાવાનો છે.  આ માટે ધારાસભ્ય દળની બપોરે 3 વાગ્યે બેઠક યોજાવાની છે. આ બેઠકમાં હાજર રહેવા ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં આવી જવાની સૂચના આપી દેવાઈ છે. આ બેઠકમાં વિજય રૂપાણી હાજર રહેશે કે નહીં તે સ્પષ્ટ નથી પણ ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, રૂપાણી હાજર રહેશે. તેમની હાજરીમાં જ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરાશે.


ભાજપ હાઈકમાન્ડ દ્વારા મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા છે. સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને તરૂણ ચુગ ગાંધીનગર પહોંચી ગયા છે.  બપોરે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં ઉપસ્થિત  તેવી શક્યતા છે. બપોરે 3 વાગ્યે કમલમ પર ધારાસભ્ય દળની બેઠકમા નવા નેતાની પસંદગી પર ધારાસભ્યો મંજૂરીની મહોર મારે તે પછી આવતી કાલે સોમવારે રાજ્યપાલ પાસેથી સમય માંગીને ભાજપ દ્વારા સરકાર રચવાનો દાવો કરવામાં આવી શકે છે.


ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી. એલ. સંતોષ,  ગુજરાત ભાજપ ના પ્રદેશ મહામંત્રી રત્નાકર, ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, મહામંત્રી વિનોદ ચાવડા, પ્રદીપસિંહ વાઘેલા સહિતના નેતા પાટીલના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.