Violence With Foreign Students: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં શનિવારે (16 માર્ચ) રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના મામલામાં વિદેશ મંત્રાલયની પ્રથમ પ્રતિક્રિયા આવી છે. મંત્રાલયે કહ્યું છે કે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.


રવિવારે (17 માર્ચ), ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ગઈકાલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં હિંસાની ઘટના બની હતી. રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે.


વિદ્યાર્થીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી


વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું છે કે શનિવારે થયેલી અથડામણમાં બે વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. તેમાંથી એક વિદ્યાર્થીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય આ મામલે ગુજરાત સરકારના સંપર્કમાં છે. 


શું છે સમગ્ર ઘટના


ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં થયેલી મારામારીની ઘટનાને વિગતે સમજીએ તો  મળેલી માહિતી મુજબ ઉઝબેકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના 4 મુસ્લિમ  વિદ્યાર્થીઓ તેમના રૂમમાં નમાઝ અદા કરી રહ્યા હતા. અન્ય વિદ્યાર્થીઓએ તેનો  વિરોધ કર્યો હતો. બાદમાં બંને વિદ્યાર્થીના જુથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને મામલો ગરમાતા મારામારી પર વિદ્યાર્થીઓ ઉતરી આવ્યાં હતા.  જેના કારણે 4 વિદેશી વિદ્યાર્થીઓ ઘવાયા હતા. ઘાયલ વિદ્યાર્થીઓને તાબડતોબ એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.  બંને જુથના વિદ્યાર્થીઓની નમાજ મુદ્દે થયેલી બોલા ચાલી બાદ મામલો વધુ ગરમાયો હતો અને રોષે ભરાયેલા  વિદ્યાર્થીઓએ કેમ્પસમાં તોડફોડ કરી હતી અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી.  


આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં અફઘાની વિદ્યાર્થી થપ્પડ મારાતો જોવા મળી રહ્યો છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ અફઘાની વિદ્યાર્થી થપ્પડ મારતા મામલો બિચક્યો હતો અને મારામારી શરૂ થઇ હતી. ઘટનામાં લેપટોપ અને વાહનો સહિતની વસ્તુની પણ તોડફોડના દ્રશ્યો સામે આવ્યા છે.


આ ઘટનાને લઇને ગુપ્તચર એજન્સીઓ પણ સતર્ક  થઈ ચૂકી છે. ગૃહ મંત્રીએ સમગ્ર ઘટનાને લઇને નિષ્પક્ષ કાર્યવાહીનો ભરોસો આપતા ઘટનાને રાજકિય રંગ ન આપવા અનુરોઘ કર્યો છે.


ગુજરાત યુનિવર્સિટીમાં રાત્રીનાં સુમારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પ્રવેશ કરી વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં જઈ તોડફોડ કરી હતી. તેમજ વિદ્યાર્થીઓ સાથે મારામારી કરતા વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તાત્કાલીક બેઠક બોલાવી હતી.