અમદાવાદ: આજે વિશ્વ ઉમિયાધામ પ્રીમિયર લીગનો શુભારંભ થશે. જેમાં 5000 ખેલાડીઓ ભાગ લેશે. વિશ્વના કરોડો પાટીદારોના આસ્થાના કેન્દ્રસમા વિશ્વ ઉમિયાધામ ખાતે આજે વિશ્વ ઉમિયાધામ પ્રીમિયર લિગનો શુભારંભ થવા જઈ રહ્યો છે. વિશ્વ ઉમિયાધામ પ્રીમિયર લિગમાં રાજ્યભરમાં પાટીદાર સમાજના 5000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. 


વિશ્વ ઉમિયાધામ પ્રીમિયર લીગમાં ક્રિકેટની 64 અને વોલીબોલની 200થી વધુ ટીમ ભાગ લેશે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી હજારો ખેલાડીઓ ભાગ લઈ રમતોત્સવમાં નવો રંગ પુરશે. 20થી વધુ દિવસ ચાલનારા વિશ્વ ઉમિયાધામ પ્રીમિયર લીગના તમામ વિજેતા ટીમોને ખુબ મોટા બહુમાન સાથે સમાપન સમારોહનું આયોજન કરાયુ છે. જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટ મંદિર જ્યાં નિર્માણ થઈ રહ્યું છે તે વિશ્વ ઉમિયાધામ પરિષરમાં જ હજારો પાટીદાર ખેલાડીઓ રમશે. આ સાથે જ મહિલા ખેલાડીઓ માટે છથી વધુ રમતોનું આયોજન કરાયું છે. જેમાં ઉભી ખો, ડોઝ બોલ, રસ્સા ખેંચ, ભારત ભ્રમણ, સાતોલીયું, વોટર રિપ્લે રેસ ગેમ જેવી રમતોનું આયોજન કરાયું છે. આજે અહીં સંગઠનની બેઠક પણ યોજાઈ જેમાં લોકો આધ્યાત્મક ભાવ સાથે જોડાય તે માટે મહિલા અને યુવા સંગઠન દ્વારા બેઠક થઈ.


સીએમ ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા ખોડલધામ


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખોડલધામ મંદિર પહોંચ્યા છે. થોડીવારમાં મુખ્યમંત્રી મંદિર ખાતે ધ્વજારોહણ કરશે. આ ઉપરાંત રાજ્યના સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત છે. ખેડૂત અને સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તમમે જણાવી દઈએ કે, કાગવડના ખોડલધામ ટ્રસ્ટનો 7માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. અનાર પટેલ સહિત નવા 40થી વધુ ટ્રસ્ટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નિરમા ગ્રુપના કરશન પટેલ, કેડીલા ગ્રુપના માલીક, બિપિન પટેલ, કાળુભાઈ મોહનભાઇ ઝાલાવડીયા પણ જોડાશે.. આજે નવા પ્રકલ્પો લેવામાં આવશે. રાજકોટ નજીક આવેલ અમરેલી ગામ ખાતે શૈક્ષણિક શંકુલ અને આરોગ્ય ભવન બનાવવામાં આવશે.


ધારાસભ્ય અને ટ્રસ્ટી રમેશ ટીલારા, પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, જગદીશ ડોબરીયા, અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવીયા સહિતના પાટીદાર આગેવાનો ઉપસ્થિત છે. નવા ટ્રસ્ટીમાં આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ, નિરમા ગ્રુપના કરશન પટેલ,  કેડિલા ગ્રુપ સહિત 50 નવા ટ્રસ્ટીઓ જોડાશે. આ અંગે અનાર પટેલે કહ્યું કે, મારા માટે ગૌરવની વાત છે. ખોડલધામ એજ્યુકેશન માટે સૌથી વધુ કામ કરે છે. 


લેઉવા પાટીદાર સમાજના કુળદેવી ખોડિયાર માતાજી આંગણે રૂડો અવસર આવ્યો છે. રાજકોટ જિલ્લાના ખોડલધામ કાગવડ ખાતે આજે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાશે. ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને છ વર્ષ પૂરા થયા છે. સાતમા વર્ષમાં મંગલ પ્રવેશને લઈને ઓલ ઇન્ડિયા કન્વીનર અને સ્વયંસેવક મીટનું આયોજન કરવામાં આવ્યું છે. 


આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી તથા ગુજરાતના લેઉવા પાટીદાર ધારાસભ્યો મંત્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ધ્વજા રોહાણ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત લોક ડાયરો, યજ્ઞ, ધ્વજારોહણ, સભા અને મહાપ્રસાદનું ભવ્યાતીભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે મોટી સંખ્યામાં લેવા પાટીદાર સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ પણ હાજર છે. તો બીજી તરફ આજે ખોડલધામના નવા ટ્રસ્ટીઓની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલની પણ ખોડલધામના ટ્રસ્ટી તરીકે પસંદગી કરવામાં આવી છે. લેઉવા પાટીદાર સમાજના યુવાનોને ટ્રસ્ટી તરીકે સ્થાન મળ્યું છે.