વૃષ્ટી અને શિવમને લઈ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ત્યારે શિવમના માતા-પિતાએ તેમને બૂકે આપી સ્વાગત કર્યુ હતું. એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતાં શિવમે કહ્યું હતું કે, અમે શાંતિની શોધમાં ગયા હતા. વૃષ્ટિને લેવા માટે તેના માતા-પિતા અમદાવાદ એરપોર્ટ પર આવ્યા નહોતા. એરપોર્ટ પર પરત આવેલી વૃષ્ટીના ચહેરા પર આછું આછું સ્મિત જોવા મળ્યું હતું. જાણે કોઈ ઘટના જ ન ઘટી હોય તેમ તે હસતી જોવા મળી હતી.
છેલ્લા 11 દિવસથી પોતાનો વ્હાલસોયા પુત્ર શિવમને જોઈને તેની માતા ભાવુક થઈ ગઈ હતી અને રડી પડી હતી. માતાએ 11 દિવસથી ગુમ થયેલા દીકરાને વહાલથી ભેટતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પુત્ર શિવમ માટે અમેરિકાથી પરત આવેલા માતા રાહ જોઈને એરપોર્ટ પર ઉભા હતા. તેના માતાએ બૂકે આપી તેનું સ્વાગત કર્યુ હતું. પિતા પણ તેના પુત્રને જોઈને ખૂબ ખુશ થઈ ગયા હતા અને એરપોર્ટના પ્રાંગણમાં ભેટી પડ્યો હતો.