Water Cuts In Ahmedabad: રાજ્યમાં ભર ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. શહેરમાં ગરમીનો પારો ઉંચેને ઉંચે જઇ રહ્યો છે, ત્યારે અમદવાદનીઓના માથે વધુ એક મોટી આફત આવી છે. ધોમધખતી ગરમીની વચ્ચે અમદાવાદમાં પાણી કાપ કરવામાં આવવાના સમાચાર સામે આવ્યા છે.


માહિતી પ્રમાણે, ગરમી ઉંચા પારાની વચ્ચે શહેરમાં હવે પાણી કાપથી લોકો પરેશાન થશે. સુત્રો તરફથી માહિતી છે કે, શહેરમાં કેટલાક વિસ્તારોમાં તંત્ર દ્વારા સમારકામની કામ હાથ ધરવામાં આવ્યુ છે, જેના કારણે આજે સાંજે પાણી કાપ રહેશે. આજે સાંજે અમદાવાદના કેટલાક વિસ્તારમાં પાણીકાપ રહેશે, તંત્ર દ્વારા ઓવરહેડ ટાંકીના સમારકામના આ પાણીકાપનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં ઘાટલોડિયા, ચાંદલોડિયા વિસ્તારમાં સાંજે પાણીકાપ રહેશે, આ ઉપરાંત રાણીપ, સેટેલાઈટ, જોધપુર વિસ્તારમાં પણ સાંજે પાણીકાપ રહેશે. શહેરના ચારથી પાંચ મોટા વિસ્તારોમાં પાણી કાપ રહેવાનો છે. 


કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદ મનપા એક્શનમાં, લોકો માટે શરૂ કરી આ સુવિધાઓ


અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા પ્રશાસન એક્શનમાં આવ્યું છે. હિટવેવ એકશન પ્લાન અંતર્ગત મહાનગપાલિકા સંચાલિત હોસ્પિટલો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં હિટ રીલેટેડ ઈલનેસના કેસ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. શહેર ટ્રાફિક પોલીસને ઓ.આર.એસ.ના પચાસ હજાર પેકેટ આપવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં આવેલા 280થી વધુ નાના-મોટા બગીચા રાત્રિના 11 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લા રાખવામાં આવશે. તમામ બગીચા ઉપરાંત એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.ના બસસ્ટોપ ઉપર પીવાના પાણીની અને ઓ.આર.એસ.ના પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.


આગામી સમયમાં શહેરમાં મહત્તમ પાણીની પરબ શરુ કરવામાં આવશે. શહેરના તમામ અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ઓ.આર.એસ.સેન્ટર શરુ કરવામાં આવ્યા છે. અતિશય ગરમીથી બચવા પ્રશાસને વધુ પ્રમાણમાં પાણી, છાશ જેવા પ્રવાહીનુ સેવન કરવા, લાંબો સમય તડકામાં ના રહેવા, હળવા સુતરાઉ કપડાં પહેરવા, ઠંડકવાળા સ્થળે સમયાંતરે આરામ કરવા તથા નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે.


માર્ચ મહિનો પૂરો થયા તે પહેલા જ રાજ્યમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુરુવારે 10 શહેરોમાં 38 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના અનુસાર, આગામી બે દિવસ ગરમીનો પારો ઉપર જશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તો અંગ દઝાડતી ગરમી પડશે. તો બનાસકાંઠા અને આણંદ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. તો ગુરુવારે અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. અમરેલીમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ 40.8 ડિગ્રી પર પહોંચ્યો છે. તો અમદાવાદ 40 ડિગ્રી ગરમીમાં શેકાયું છે. સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી જેટલું વધી ગયું છે. જો કે તાપમાનમાં હજુ પણ વધારો થશે. હવામાન વિભાગ અનુસાર અમદાવાદનું તાપમાન આજે 41, શનિવારે 40 ડિગ્રી રહેશે.તો આ તરફ રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભૂજ, છોટા ઉદેપુર, ડીસા, દાહોદ, ભાવનગરમાં 38 ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું છે.