એન્ટિ કરપ્શન બ્યુરોની સ્પેશિયલ કોર્ટ સમક્ષ સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, આટલી મોટી રકમની લાંચનું પ્રકરણ હોવાથી અન્ય વ્યક્તિઓની પણ સંડોવણી હોય તેવી આશંકા છે. જેથી આરોપી અધિકારીની વધુ પોલીસ કસ્ટડીની જરૂર છે.
સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ધરપકડ કરાયેલી પી.એસ.આઈ. શ્વેતા જાડેજાને એ.સી.બી.ની સ્પેશિયલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જેમાં સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રિમાન્ડ માગતા રજૂઆત કરી હતી કે આરોપી અધિકારીએ ખાનગી કંપનીના એમ.ડી.ને પાસામાં ફસાવવાની ધમકી આપી હતી.
35 લાખ રૂપિયાની લાંચ માગી હતી, જે પૈકી 20 લાખની લાંચ તેમણે આપવામાં આવી હતી અને 15 લાખી ચૂકવણી બાકી હતી. આ રકમ ક્યાં છે તે જાણવાનું બાકી છે. આ રકમમાંથી આરોપીએ કોઇ મિકલત વસાવી છે કે નહીં તેમજ તેઓ અત્યારે જે મકાનમાં રહે છે ત્યાંની તપાસ કરવી જરૂરી છે. આરોપી પોલીસ અધિકારી હોવાથી કાયદાની આંટીધૂંટી સારી રીતે જાણે છે અને તપાસમાં સહકાર આપી રહ્યા નથી.
તેમણે આંગડીયા મારફતે લાંચની રકમ મગાવી હતી, અગાઉ તેમણે આવી રીતે કોઇની પાસેથી લાંચ મગાવી છે કે નહીં તેમજ અગાઉ કેટલાં તોડ કર્યા હતા તે જાણવા આરોપીની પોલીસ કસ્ટડીમાં હાજરી જરૂર છે. આ ઉપરાંત તેમના બેન્ક એકાઉન્ટ તેમજ આટલી મોટી રકમની લાંચમાં અન્ય કયા-કયા વ્યક્તિઓ પણ સંડોવાયેલા હતા તે જાણનું તપાસ માટે જરૂરી છે. સાત દિવસના રિમાન્ડની માગણી સામે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.