Gujarat High Court: વડોદરા હરણીકાંડ દુર્ઘટના અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આ અંગે મહત્વનો હુકમ કર્યો છે. વડોદરાના તત્કાલિન મનપા કમિશનર એચ એસ પટેલ અને વિનોદ રાવ સામે ખાતાકીય તપાસ અને શિક્ષાત્મક કાર્યવાહી અંગે હાઈકોર્ટનો હુકમ કર્યો છે. હરણી બોટ કાંડમાં આ બંને અધિકારીની બેદરકારી છે.
થોડા દિવસ પહેલા ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાના હરણી લેક બોટ દુર્ઘટના કેસ પીટીશન અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાજય સરકારના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જોકે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં રિપોર્ટ અંગે સ્વીકાર કર્યો હતો કે, વડોદરા મહાનગરપાલિકાના કમિશનરની જવાબદારી બને છે અને રાજ્યસરકાર જવાબદાર તમામ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવા પણ તૈયાર છે. જેના પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા કડક ટિપ્પણી કરાઈ હતી કે, આ રજૂ થયેલો રિપોર્ટ સંતોષકારક નથી. કમિટી દ્વારા રજૂ કરાયેલો રિપોર્ટ શબ્દોની માયાજાળમાં સત્યને છુપાવવા માગતો હોવાનું અવલોકન કર્યું હતું. આ સાથે જ કોર્ટે એ પણ ટકોર કરી હતી કે, જવાબદાર પદ પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે કરે નહીં એ ચલાવી શકાય નહીં. સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કોર્ટની માફી માંગી અને આશ્વાસન આપ્યું હતું કે આ પ્રકારની દુર્ઘટનામાં સરકાર કોઈને છોડવા માંગતી નથી.
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો.જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તેમજ બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ
ભારતીય ટીમને બે વર્લ્ડકપ જીતાડનારો આ ખેલાડી બન્યો ટીમ ઈન્ડિયાનો હેડ કોચ, જય શાહે કરી જાહેરાત