અમદાવાદઃ ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા પછી ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તેની અટકળો ચાલી રહી છે. રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્યમંત્રીપદની રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે. નીતિન પટેલના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવતાં નીતિન પટેલ જ મુખ્યમંત્રી બનશે એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે ત્યારે નીતિન પટેલે આ વાતોને અટકળો ગણાવી છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણીએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. નીરિક્ષકોએ ભાજપના વરિષ્ઠ નેતાઓના મંતવ્ય લીધા છે. તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના અપાઇ છે. આખુ ગુજરાત જેમને ઓળખતુ હોય તેવા જ મુખ્યમંત્રીની જરૂર છે
નીતિન પટેલે કહ્યું છે કે, મીડિયામાં મને મુખ્યમંત્રી બનાવાશે એવી વાતો ચાલે છે પણ મીડિયા મારા અનુભવના આધારે મારું નામ ચલાવે છે. વાસ્તવમાં મુખ્યમંત્રીપદે કોણ બેસશે તો ભાજપ હાઈકમાન્ડ જ નક્કી કરશે. નીતિન પટેલે એવું કહ્યું ખરું કે, આખુ ગુજરાત જેમને ઓળખતુ હોય તેવા જ મુખ્યમંત્રીની જરૂર છે અને એવા નેતાને જ મુખ્યમંત્રી બનાવવા જોઈએ.
નીતિન પટેલે પત્રકારો સાથે વાત કરતાં દાવો કર્યો કે, મુખ્યમંત્રીપદેથી વિજયભાઈ રૂપાણીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે અને કોઈના દબાણ હેઠળ નિર્ણય લીધો નથી. તેમણે કહ્યું કે, વિજય રૂપાણીના રાજીનામા પછી કોને મુખ્યમંત્રી બનાવવા તે અંગે હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નીરિક્ષકોએ ભાજપના વરિષ્ઠ નેતાઓના મંતવ્ય લીધા છે. આ મંતવ્યોના આધારે ધારાસભ્ય દળની બેઠકમાં નેતા નક્કી થશે. ધારાસભ્ય દળની બેઠકમાં તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના અપાઈ છે તે જોતાં બેઠકમાં નિર્ણય લેવાઈ જશે.
બે નાયબ મુખ્યમંત્રી બનાવામાં આવે તેવી શક્યતા
ઉત્તર પ્રદેશની ફોર્મ્યુલા અનુસાર ગુજરાતમાં એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રી બને તેવી પ્રબળ સંભાવના છે. આદિવાસી નેતાને નાયબ મુખ્યમંત્રીનું પદ મળી શકે છે.કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમર અને સી.આર.પાટીલ વચ્ચેની બેઠક પૂર્ણ થઇ છે. કેન્દ્રીય નિરીક્ષકોએ સી.આર.પાટીલને નવા મુખ્યમંત્રી નામની જાણકારી આપી હતી.
નીતિન પટેલની સુરક્ષામાં વધારો કરાયો
રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રી આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. પાટીદાર નેતાઓમાં નીતિન પટેલ સૌથી પ્રબળ દાવેદાર છે. આ માહોલમાં રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ પાટીદાર નેતા નીતિન પટેલનાં ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. નીતિન પટેલનાં ઘરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસે નીતિન પટેલનાં ગાડીની પણ તપાસ કરી હતી અને ઓલ ક્લીયર મળ્યા પછી જ નીતિન પટેલને કારમાં બેસીને જવા દેવાયા હતા.