અમદાવાદ: અરબી સમુદ્રમાં વેરાવળથી 340 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાવાઝોડું વાયુ 140થી 150 કિલોમીટરની સ્પીડથી આગળ વધી રહ્યું છે. 12મી જૂનની મધરાતે અને 13મીના પરોઢે વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકે તેવી સંભાવના છે.

13મીના પરોઢે બેથી ત્રણ વાગ્યાની આસપાસ વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકે તેવી સંભાવના વર્તાઈ રહી છે. જેને લઈ સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લામાં NDRF અને આર્મીની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર- કચ્છના 11 જિલ્લા કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત દીવને પણ અસર પહોંચવાની સંભાવના છે.

વાવાઝોડાના પગલે અત્યારે દક્ષિણ ગુજરાત, દીવ અને સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થળે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગુજરાતના બાકીના વિસ્તારમાં છાંટા પડ્યા હોવાના અને વાતાવરણમાં પલટો આવ્યોના સમાચાર સામે આવ્યા છે.