મળતી વિગતો પ્રમાણે ગઈ કાલે 10.10 વાગ્યે શાર્પ શૂટર રિલિફ રોડ પર આવેલા હોટલ વિનસમાં આવ્યો હતો. મુંબઈના ચૌહાણ હાજી મોહમ્મદના નામનું આધાર કાર્ડ આપી શાર્પ શૂટર હોટલમાં રોકાયો હતો. જોકે, તે ખોટા નામથી રોકાયો હોવાનું જાણવા મળ્યું છે. તેનું નામ ઇરફાન ઈલિયાસ શેખ ઉર્ફે કાળિયો છે. મૂળ મુંબઈ ચેમ્બુરનો રહેવાસી છે. આ શાર્ટ શૂટરના મોબાઇલમાંથી ગોરધન ઝડફિયાનો ફોટો પણ મળી આવ્યો છે. જે હોટલ વિનસના રૂમ નંબર 105માં રોકાયો હતો. આ શાર્પ શૂટરે કમલમ ખાતે રેકી કરી હોવાની પણ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.
શાર્પ શૂટર પાસેથી ઓટોમેટિક રિવોલ્વર પણ મળી આવી છે. આ શાર્પ શૂટર પાકિસ્તાનના ગેંગસ્ટર છોટા શકીલનો સાગરીત હોવાની ચર્ચા છે. આ અંગે ગોરધન ઝડફિયાએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે અગાઉ પણ ધમકી મળતી હોવાનો દાવો કર્યો છે. એટલું જ નહીં, તેમણે જણાવ્યું હતું કે, ઘણા સમય પહેલા કોઈ વ્યક્તિ રેકી કરતી હોવાનું જાણવા મળ્યું હતું. જે તે સમયે મેં ગૃહ વિભાગને આ અંગે જાણ કરી હતી. તાજેતરમાં આવું કંઇ થયું હોવાની મને કંઇ ખબર નથી. શાર્પ શૂટર પકડાયા પછી ખૂદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે ગોરધન ઝડફિયાને માહિતી આપી હતી. તેમજ ગોરધન ઝડફિયાની સુરક્ષા વધારવાના આદેશ અપાયા છે.
એટીએસને બાતમી મળતા તેને પકડવા માટે ગઈ હતી. દરમિયાન શાર્પ શૂટરે ટીમ પર ફાયરિંગ કર્યું હતું. જોકે, એટીએસની ટીમે તેને ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે, આજે ગોરધન ઝડફિયા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ત્યારે જ તેમની હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. ગોરધન ઝડફિયા નરેન્દ્ર મોદીની સરકારમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી હતા.