ગાંધીનગર: બંગાળાની ખાડી અને ઓડિશા વચ્ચે લો-પ્રેશર સર્જાતા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાંક ભાગોમાં 14 અને 15 ઓગસ્ટ ફરી બે દિવસ ભારે વરસાદ પડે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે.

હવામાન ખાતાના જણાવ્યાં પ્રમાણે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ સિવાય ગુજરાતના અન્ય ભાગોમાં પણ આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં આગામી 2 દિવસ ખુબ જ ભારે છે. જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સહિત અનેક વિસ્તારો પર મેઘરાજા ચારેબાજુ પાણી-પાણી કરી શકે છે તેવું હવામાન વિભાગનું માનવું છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની સાથે સાથે કાંઠા વિસ્તારોમાં પ્રતિ કલાકે 65 કિલોમિટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. જેથી માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં મધ્ય-ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, ખેડા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વનું ડિપ ડિપ્રેશન લો-પ્રેશરમાં ફેરવાશે. હાલમાં વરસાદની સિસ્ટમ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ તરફ છે. ડિપ્રેશન 50 કિલોમીટરની ઝડપે આગળ વધે છે. સિસ્ટમ મુજબ વરસાદ મધ્ય ગુજરાતથી શરૂઆત થશે.