હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર છત્તીસગઢમાં સર્જાયેલું ડિપ્રેશન ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેની આસપાસ પહોંચ્યું છે. જે હવે પશ્ચિમ-ઉત્તર તરફ ધપશે અને આગામી 48 કલાકમાં નબળું પડશે. આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીથી મધ્ય પ્રદેશ સુધી સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે.
આ બંને સિસ્ટમને લીધે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આવતીકાલે સવારના સમયે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ વરસાદનું પ્રભુત્વ રહેશે.
ગુજરાતમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છ અને મહેસાણામાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. કારણ કે હાલ બે સિસ્ટમ ગુજરાત પર સક્રિય હોવાના કારણે વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગના કહ્યાં પ્રમાણે, આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. ડીપ ડિપ્રેશન સક્રિય થવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
11 ઓગસ્ટ એટલે આજે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે અમદાવાદ સહિત ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર બન્યું છે. જે મધ્યપ્રદેશથી પસાર થઈને ગુજરાત આવી પહોચ્યું છે. જેની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે.
અપર એર સાયક્લોનિક સરક્યુલેશન પણ રાજ્ય પર સક્રિય છે જેની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ત્યારે હજી પણ અગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.