અમદાવાદઃ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પરિણીતાએ પરપુરુષ સાથેના આડા સંબંધોમાં પતિની હત્યાનું કાવતરું રચીને હત્યાને અંજામ આપ્યો છે. પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું રચીને તેને મોતને ઘાટ ઉતારીને કૂવામાં ફેંકી દીધો હતો. અમરેલીમાં રહેતા ગોબરભાઇ પટેલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનો નાનો દીકરો મહેશ ઉર્ફ મયૂર છેલ્લા કેટલાક દિવસથી ગુમ છે. પોલીસે તેની પત્ની અને તેની મિત્ર સહિત પ્રેમીની પૂછપરછ કરતા મહેશની હત્યાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે પત્ની મીરા, તેના પ્રેમી અનશ અને તેની બહેનપણી ખુશી સતવારાને ઝડપી પાડી હતી.


ગોબરભાઇએ જણાવ્યું હતું કે તેઓ ખેતી કામ કરે છે. સંતાનમાં બે દીકરા અને દીકરી છે. જેમાં નાનો દીકરો મહેશ ઉર્ફે મયુરના લગ્ન આઠ વર્ષ પહેલાં મિરલ ઉર્ફે મીરા સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. છેલ્લા એકાદ વર્ષથી તેઓનો દીકરો કામ ધંધા માટે અમદાવાદ ખાતે તેના સસરાના ઘરે રહેતો હતો અને રીક્ષા ડ્રાઇવિંગ કરતો હતો.


2 જાન્યુઆરી 2023ના રોજ મહેશ ઉર્ફે મયુરે પિતાને જણાવ્યું હતું કે, તેની પત્નીના અનશ સાથે અનૈતિક સંબંધ છે અને આ સંબંધે મેં સવાલ કરતા મારી પત્ની મિરલ તથા તેની બહેનપણી ખુશી તથા અનસ ઉર્ફે ઉર્ફે લાલો મનસૂરીએ તેને રાજસ્થાન ખાતે ધમકાવી દીધો હતો. આ સંબંધોની વાત બીજા કોઈ સગા-સંબંધીઓને કરીશ તો તને જાનથી મરાવી નાખીશ તે પ્રકારની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.


ગોબરભાઇએ કહ્યું હતું કે મેં પુત્રવધૂ મીરાને મારી દીકરી કરતાં પણ સવાઇ રાખી હતી. તો પણ એણે આવું કર્યું? મારો છોકરો મહેશ ભોળો હતો. તેઓ મારા છોકરાને વિધર્મી બનાવવા માંગતા હતા. ગોબરભાઈ કહે છે કે મહેશને ફોનમાં બધું જોતાં આવડતું. એણે ચેક કર્યું તો ફોનમાં પુત્રવધૂ મીરા અને અનશ મનસૂરીના સાથે ફોટા હતા. હું મહેશને કહેતો કે પુત્રવધૂ મીરા દબાવતી હોય તો તું ગામડે આવતો રહે. જેથી 5મી તારીખે મહેશે મને ફોન કરીને કહ્યું કે હું સામાન ભરું છું. તમે ટ્રેક્ટર લઈને સવારે આવીને લઈ જજો.


નિકોલ પોલીસ સ્ટેશનના પી આઈ અને તપાસ અધિકારી કેડી જાટે કહ્યું કે આરોપી અનસ અને મહેશની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ બંનેની મિત્ર ખુશીએ અનસને ચઢાવ્યો કે તું ગમે તેમ કરીને આનો નિકાલ કરી દે. 5 તારીખે અનસ મહેશને ઘરે લઇ ગયો હતો. એના ઘરની પાછળ આવેલા ખેતરમાં બંને બેઠા. ત્યાં અનસે પાછળથી તેને પકડીને છરી મારી દીધી હતી. અનસે ખેંચીને મહેશનો મૃતદેહ કૂવામાં નાખી દીધો.


પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે અનસ છૂટક ડ્રાઇવિંગ કરતો હતો. મીરા-અનસના પ્રેમસંબંધને એક મહિના જેટલો સમય થયો હતો. ખુશી અને અનસ છેલ્લાં 4 વર્ષથી મિત્ર હતાં.