IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબર, શનિવારના રોજ રમાનારી મેચને લઇને કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ભારતીય ટીમ આજે અમદાવાદ પહોંચશે જ્યારે પાકિસ્તાનની ટીમ બુધવારે અમદાવાદ પહોંચી હતી. અગાઉ ભારતીય ઓપનર શુભમન ગિલ પણ અમદાવાદ પહોંચી ચૂક્યો છે. ભારતીય ટીમ ITC નર્મદા હોટેલમાં રોકાશે.
ભારત-પાકિસ્તાન મેચના દિવસે અમદાવાદમાં સચિન તેંડુલકર, રજનીકાંત અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજો હાજર રહેશે. મેચ પહેલા બૉલિવૂડના સિંગર અરિજીત સિંહ પરફોર્મ કરશે. પાકિસ્તાનની ટીમ હયાત હોટલમાં રોકાઇ છે. અહીં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હોટલમાં આવનાર દરેક મુલાકાતીઓની નોંધણી કરવામાં આવી રહી છે. બુધવારે રાતે પોલીસ કમિશનરે પણ હોટલની મુલાકાત લીધી હતી. પાકિસ્તાનની ટીમ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે જશે.
મેચ દરમિયાન પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 21 DCP, 47 ACP, 131 PI, 369 PSI સહિત સાત હજાર પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે. જ્યારે ચાર હજારથી વધુ હોમગાર્ડ પણ સુરક્ષામાં તૈનાત રહેશે. NSG, NDRF અને SDRF પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે.
ભારત અને પાકિસ્તાન મેચ પહેલા જ અમદાવાદ અને ગાંધીનગરની હોટલ માલિકોનો એક મોટો ખેલ ખુલ્લો પડી ગયો હતો. .અમદાવાદની મેચ જાહેર થઇ તે દિવસથી જ મેચના દિવસ દરમિયાન હોટલના ભાડામાં પાંચ થી દસ ગણો વધારો કરનાર હોટલોએ અચાનક જ ભાડામાં ધરખમ ઘટાડો કર્યો છે. અમદાવાદની ટોચની હોટલોએ ભાડામાં 10 થી 30 હજાર સુધીનો ઘટાડો કર્યો હતો. 13 અને 14 ઓક્ટોબરે અમદાવાદની હોટલ હાઉસફૂલ થઇ ગઇ હોવાની વાતો ખોટી સાબિત થઇ હતી. અનેક લોકોએ તે જ ડરથી મોંઘા ભાવે હોટલો બુક કરાવી દીધી પરંતુ હવે તાજ ઉમેદ હોટલે 10 હજાર, કામા હોટલે 20 હજાર, તો લેમન ટ્રી હોટલે 30 હજાર રૂપિયા સુધીનું રૂમ ભાડું ઘટાડ્યું છે. રૂમ ભાડું ઘટાડવા પાછળનું બહાનું કેટલાક ક્રિકેટ ચાહકોને મેચની ટિકિટ ન મળતાં કેટલાક રૂમ કેન્સલ થયા હોવાનું ગણાવાઇ રહ્યું છે.
અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચ પહેલા પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની 150 બનાવટી ટિકિટ સાથે એક આરોપીની અટકાયત કરી હતી. નોંધનીય છે કે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં મેચ રમાશે.