અમદાવાદઃ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દીકરાએ પિતાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવક સુરેશે પિતા મગનભાઈ રબારીની હત્યા કરી નાંખતા સરખેજ પોલીસે હત્યારા સુરેશ રબારીની ધરપકડ કરી છે. ત્યારે આ હત્યા પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. જે વાંચીને તમે હચમચી જશો.


આ અંગે મળતી વિગતો પ્રમાણે સુરેશ રબારીની એક મહિના પહેલા સગાઈ થઈ હતી. ત્યારે મંગેતરને ગિફ્ટ આપવા માટે સુરેશને રૂપિયાની જરૂર હતી. આ માટે તેણે પિતા પાસે રૂપિયાની માંગણી કરી હતી. સુરેશે પિતાને જમીન અને દાગીના વેચીને રૂપિયા આપવા દબાણ કર્યું હતું. જોકે, પિતાએ ઇનકાર કરી દીધો હતો.

આથી ઉશ્કેરાયેલા સુરેશે ગઈ કાલે બપોરે પિતા મગનભાઈ રબારી સૂતા હતા, ત્યારે સૂતેલા પિતાને માથાના ભાગે લાકડી મારીને હત્યા કરી નાંખી હતી. મગનભાઈની દીકરીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને સુરેશ રબારીની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધો છે.

મગનભાઈ રબારીના પરિવારમાં તેમની દીકરી અને પુત્ર સુરેશ જ હતા. હવે પિતાની હત્યા થતા અને ભાઈ જેલમાં જતાં દીકરી નોંધારી બની છે.