અમદાવાદઃ ઇદની આગલી રાતે જ દાણીલીમડાના ચંડોળા તળાવ પાસે નશામાં ચૂર બે શખ્સોએ મિત્રની જ ઘાતકી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ હતી. નશાની હાલતમાં બે શખ્સોએ યુવકની હથિયારના ઘા મારી હત્યા કરી નાંખી. બીજી તરફ આરોપી ઇમરાનની બહેને જ આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.

આ અંગેની મળતી વધુ વિગતો પ્રમાણે દાણીલીમડામાં આવેલા ચંડોળા તળાવ પાસે મિર્ઝાપુરમાં રહેતો હસન ઉર્ફે કાળિયો રિક્ષા ડ્રાઇવિંગનું કામ પતાવીને પહોંચ્યો હતો. તે એક ઝુંપડા પાસે બેઠો હતો ત્યારે જ નશો કરનારા તેના જ બે મિત્રો તેની પાસે આવ્યા. મૃતક હસનની સાથે ચંડોળા ખાતે રહેતા આરોપી બસીર અહેમદ શેખ અને ઇમરાન શેખ પણ બેઠા હતા, ત્યારે ત્રણેય વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા બસીર અહેમદ શેખ અને ઇમરાન શેખે હસનને છરીના ઘા સાથળ પર મારી દીધા, જેને કારણે હસનનું ઘટના સ્થળે જ મોત થયું.

ઇમરાન હજુ તો હત્યા કરાયેલી લાશ સગેવગે કરવા રિક્ષામાં નાખીને ફરાર થવા જતો હતો. ત્યાં જ ઇમરાનની બહેનને તેના ભાઈએ હત્યા કરી હોવાની જાણ થતાં તેને અને બસીર અહેમદ શેખને પકડી રાખ્યા અને પોલીસને સોંપી દીધા. આરોપીની પોલીસે ધરપકડ કરી તપાસ કરતા ઇમરાન થોડા સમય પેહલાં જ પાસાની સજા કાપીને બહાર આવ્યો હતો અને તે પાવડરનો નશો પણ કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું, ત્યારે આરોપીઓએ ક્યાં કારણોસર હત્યા કરી તે બાબતે પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે.