અમદાવાદઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus Second Wae)  હવે ધીમી પડવા લાગી છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરની (Coronavirus Third Wave) આશંકા વચ્ચે ઝડપથી રસીકરણ (Vaccination) કરવામાં આવી રહ્યું છે, પરંતુ પાછલા થોડા દિવસોથી અપૂરતા સ્ટોકના કારણે રસીકરણની ગતિ ધીમી પડી ગઈ છે.


આ દરમિયાન અમદાવાદ સ્થિત દવા કંપની ઝાયડસ કેડિલાએ (Zydus Cadila) 12 વર્ષથી મોટી વયના બાળકો માટે વેક્સિનના ઈમરજન્સી વપરાશની (Emergency Use Authorisation) મંજૂરી માંગી છે. ડીસીજીઆઈની (Drugs Controller General of India - DCGI) મંજૂરી મળ્યા બાદ બાળકોમાં રસીકરણ શરૂ થઈ શકશે. ઝાયડસ કેડિલાના ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી થઈ ચુકી છે. સરકારની મંજૂરી મળ્યા બાદ જુલાઈના અંત સુધીમાં કે ઓગસ્ટમાં 12-18 વર્ષના બાળકોમાં રસીકરણ શરૂ થશે.






દેશમાં કોરોના રસીની વધતી માગ અને રસીકરણની ગતિને વધારે ઝડપી કરવા માટે સરાકરે વધુ એક નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે નવા નિયમ અંતર્ગત હવે પ્રાઈવેટ હોસ્પિટલ સીધી કંપનીઓ પાસેથી રસી નહીં ખરીદી શકે. રસી ખરીદવા માટે તેમણે CoWin એપનો ઉપયોગ કરવો પડશે. સાથે જ કેન્દ્ર સરકારે એ પણ કહ્યું કે, હવે રસીને ખરીદવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવશે.


સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ નવા નિયમ અનુસાર કોઈપણ ખાનગી હોસ્પિટલ વિતેલા મહિનાના કોઈ ખાસ સપ્તાહનો સરેરાશ જેટલો વપરાશ હતો તેનાથી ડબલ સ્ટોક ખરીદી શકે છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલ સરેરાશ કાઢવા માટે પોતાની રીતે સપ્તાહની પસંદગી કરી શકે છે.


ડોઝનું ગણિત સમજો


માની લો કે કોઈ પ્રાઈવેટ હોસ્પિટલ રસીકરણ સેન્ટર જુલાઈ મહિનામાં રસીનો ઓર્ડર આપતા સમયે 21-27ના સપ્તાહને આધાર માને છે તો એ સપ્તાહે 350 ડોઢ લાગ્યા હોત તો રોજના સરેરાશ 50 ડોઝ થયા. એવામાં હોસ્પિટલ તેનાથી બે ગણાં એટલે કે 100 ડોઝ પ્રતિ દિવસ પ્રમાણે ઓર્ડર કરી શકે છે.