Delhi Primary School Closed: દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ રવિવારે કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણના ખતરનાક સ્તરને જોતા સરકારે પ્રાથમિક શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન, શાળાઓને ધોરણ 6 થી 12 સુધીના ઑનલાઇન વર્ગોમાં શિફ્ટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.


 દિલ્હી સરકારમાં શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યું હતું કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું ઉચ્ચ સ્તર આરોગ્યની દ્રષ્ટિએ તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. ખાસ કરીને તે બાળકો માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે 10 નવેમ્બર 2023 સુધી દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે.


દિલ્હીના દરેક વિસ્તારમાં પ્રદૂષણનો ખતરો


આવતા સપ્તાહ સુધી હજું  દિલ્હીમાં લોકોને પ્રદૂષણથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, દિલ્હીના શાદીપુર વિસ્તારમાં લોકોને સૌથી વધુ પ્રદૂષણનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં હવાની ગુણવત્તાનું સ્તર છેલ્લા ત્રણ દિવસથી ગંભીર શ્રેણીમાં છે. દિલ્હીના આરકે પુરમમાં AQI 489, દ્વારકા સેક્ટર 8માં 486, ઓખલા ફેઝ ટુમાં 484, પટપરગંજમાં 464, IGI એરપોર્ટ (T3)ની આસપાસ 480, બવાનામાં 479, મુંડકામાં 474, નજફગઢમાં 472 હતો. દિલ્હીના અન્ય વિસ્તારોમાં AQI સ્તર વધુ કે ઓછું સમાન છે.


દિલ્હીના ઈન્ડિયા ગેટ વિસ્તારમાં પ્રદૂષણની સ્થિતિ પણ ગંભીર છે. દિલ્હીના કુતુબ મિનાર વિસ્તારમાં ડ્રોનની મદદથી લેવામાં આવેલી તસવીરથી સ્પષ્ટ થાય છે કે ધંધની પરત  દક્ષિણ દિલ્હી વિસ્તાર સુધી છવાયેલી છે.  સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, આ સ્થિતિ આગામી કેટલાક દિવસો સુધી યથાવત રહેવાની સંભાવના છે.