Akasa Air Crisis: તાજેતરમાં શરૂ થયેલી અકાસા એર પર પણ સંકટના વાદળો ઘેરાયા છે. 43 પાઈલટોના રાજીનામા પછી એરલાઈન બંધ થઈ શકે છે, એરલાઈને મંગળવારે દિલ્હી હાઈકોર્ટને જાણ કરી હતી. પાઇલટ્સના અચાનક રાજીનામાને કારણે સપ્ટેમ્બરમાં એરલાઇનને દરરોજ 24 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, એરલાઇનના વકીલે જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાને જણાવ્યું હતું કે પાઇલટ્સે છ મહિના (પ્રથમ અધિકારીઓ માટે) અને એક વર્ષ (પાયલોટ્સ માટે)નો ફરજિયાત નોટિસ પીરિયડ પૂર્ણ ન કર્યો હોવાથી, અકાસા એરને ઘણી ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી.


ઉલ્લખનિય છે કે, અકાસાના પાઇલોટ્સ તેની પ્રતિદ્રંદ્ગી એરલાઇનમાં જોડાઇ ગયા છે.  એક ટોચના એક્ઝિક્યુટિવે હરીફ જૂથને પત્ર લખીને પાઇલટ્સના વોકઆઉટ પર ચિંતા વ્યક્ત કરી હતી અને આ ઘટનાને અનૈતિક ગણાવી છે,


અકાસા એર, જે દરરોજ 120 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, જો રાજીનામાનો દૌર ચાલુ રહ્યો તો એકલા આ મહિનામાં 600-700 ફ્લાઇટ્સ રદ થવાની ફરજ પડી શકે છે.  તેણે ઓગસ્ટમાં 700 ફ્લાઈટ્સ રદ કરી હતી. એરલાઈને કોર્ટને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને ફરજિયાત નોટિસ પિરિયડ નિયમો લાગુ કરવાનો અધિકાર આપવા માટે પણ અનુરોધ કર્યો છે.


એરલાઇન કથિત રીતે પાઇલોટ સામે શિક્ષાત્મક પગલાંની માંગ કરી રહી છે અને ફ્લાઇટ્સ રદ અને ગ્રાઉન્ડિંગને કારણે આવકના નુકસાન માટે વળતર તરીકે આશરે રૂ. 22 કરોડની માંગ કરી રહી છે.


ગયા અઠવાડિયે, એરલાઇન્સે કહ્યું હતું કે, તે પાઇલોટ્સ સામે કાનૂની કાર્યવાહીની માંગ કરી રહી છે જેઓ તેમના કરારની સૂચનાની અવધિ પૂર્ણ કર્યા વિના નીકળી ગયા હતા. અકાસા એરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'અમે માત્ર પાઇલટ્સના એક નાના જૂથ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે કે,  જેમણે નોટિસ પિરિયડ્સને પણ પૂર્ણ કર્યો વિના જ રાજીનામું આપીને ફરજ પરથી જતાં રહ્યાં છે.  અકાસાના પ્રવક્તાએ કહ્યું કે, આ નાગરિક ઉડ્ડયન નિયમનનું પણ ઉલ્લંઘન છે અને  આ માત્ર કાયદાની દૃષ્ટિએ ગેરકાયદેસર નથી પણ એક અનૈતિક અને સ્વાર્થી કૃત્ય પણ છે, જેણે ઓગસ્ટમાં ફ્લાઈટ્સને વિક્ષેપિત કરી હતી, જેના કારણે છેલ્લી ઘડીએ કેન્સલેશન થયું હતું, હજારો ગ્રાહકો ફસાઈ ગયા હતા, જેના કારણે પ્રવાસી જનતાને ભારે અસુવિધા થઈ હતી.