સાણંદ:સરકારની વિવિધ 17 જેટલી યોજનાને જનતા સુધી પહોંચાડવાના હેતુસર વિકસિત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે સાણંદમાં અમિત શાહે લાભાર્થી સાથે સંવાદ કર્યો હતો.
સાણંદ સંકલ્પ યાત્રાને સંબોધિત કરતા અમિત શાહે જણાવ્યું કે, “મોદી સરકાર ગરીબની તમામ સમસ્યા દુર કરવા કટિબદ્ધ છે. અમારો 60 કરોડ ગરીબોને ઘરનું ઘર આપવાનાનો પ્રયાસ છે. લોકોને રોજગારી મળી રહે માટે પીએમ મોદીની સરકારે ઔદ્યોગિક વિકાસને પણ તેમનું લક્ષ્ય બનાવ્યું છે, છેલ્લા નવ વર્ષમાં કરોડો ગરીબ બેનોના ઘરમાં ગેસનો ચુલો આપ્યો છે. ઘર ઘર સુધી નળથી પાણી પહોંચાડવાનું કામ પણ મોદી સરકારે કર્યુ છે. દેશનો કોઈપણ ગરીબ ભુખ્યો ન રહે તેવી સરકારે વ્યવસ્થા કરી છે. વિનામૂલ્યે કોરોનાની રસી આપીને મોદી સરકારે દુનિયામાં શ્રેષ્ઠ વેક્સિનેશન અભિયાનને સફળ રીતે પૂર્ણ કર્યું. વિકસિત ભારતની રચના એ સરકારનો સંકલ્પ છે અને તમામ ગરીબોને આયુષ્માન યોજનાનું કાર્ડ પહોંચાડવાનું આયોજન છે. દેશની જનતાના 100 ટકા સંતુષ્ટ કરવાનો સરકારનો સંકલ્પ છે”
સંકલ્પ યાત્રાનો હેતુ
આ યાત્રાનો હેતુ સરકારની યોજના જન જન સુધી પહોંચાડવાનો છે. સરકારની મુખ્ય યોજનાઓમાં સંપૂર્ણતા હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ દેશભરમાં કાઢવામાં આવી રહી છે અને તે અંતર્ગત એ સુનિશ્ચિત કરવામાં આવશે કે આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે છે કે નહિ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'વિકાસ ભારત સંકલ્પ યાત્રા'ના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં 'વિકાસ ભારત સંકલ્પ યાત્રા'ને ફ્લેગ ઓફ કરશે.