આણંદ:  ખેડૂતોની આવક બમણી કરવા રાજ્ય સરકારે વધુ એક નક્કર કદમ ભર્યું છે. સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ માર્કેટ ઇન્ટેલિજેન્સ પ્રોજેક્ટ હેઠળ આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૧ કૃષિ વૈજ્ઞાનિકોને આંતરરાષ્ટ્રીય તાલીમ માટે આજે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ તાલીમબદ્ધ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતોની કૃષિલક્ષી સમસ્યાઓનું નિરાકરણ લવાશે, જેનો લાભ ગુજરાતના તમામ ખેડૂતોને મળશે.


આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકના વિશ્વ બેંક પુરસ્કૃત અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) ધ્વારા અમલી રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ પ્રોજેક્ટ (NAHEP)ના CAAST ઘટક હેઠળ "સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ માર્કેટ ઇન્ટેલિજેન્સ" પર એક પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ કાર્યરત છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ શિક્ષણ અને સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરીને શિક્ષણની ગુણવત્તા સુધારીને તેને વૈશ્વિક સ્તરે અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓની સમકક્ષ તેમજ ગુજરાત રાજ્યના ખેડૂત સમુદાયની આર્થિક સ્થિતિ સુધારો કરવાનો છે.


આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૧ વૈજ્ઞાનિકોને વિશ્વની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે University of London, UK; Teagasc Food Research Centre, Ireland; Obihiro University of Agriculture and Veterinary Medicine, Japan and CSIRO, Australia માં એક થી બે માસની તાલીમ માટે રાજ્ય સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. જે તાલીમો થકી વૈજ્ઞાનિકો જુદા જુદા વિષયો જેવા કે, જૈવ વિવિધતા દ્વારા પાકની જનીન સુધારણા દ્વારા પાક ઉત્પાદન, ખોરાકની ગુણવત્તા સુધારણા તથા લાંબા ગાળાના સંગ્રહની તકનીકી, સૂક્ષ્મ તત્વો દ્વારા જમીન ઉત્પાદકતા, પશુઓમાં એંટીબાયોટિક પ્રતિકારત્મકતા સામે રક્ષણ, આધુનિક તકનીકી દ્વારા કુદરતી સ્ત્રોતોનું વ્યવસ્થાપન, ખેત ઉત્પાદન અને તેની બજાર વ્યવસ્થા અને માર્કેટ ઇન્ટેલિજેન્સ સહિતના વિષયો પર તાલીમ મેળવશે.


આજે કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન અને મત્સ્ય, ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ ૧૧ વૈજ્ઞાનિકો સાથે યુનિવર્સિટી કેમ્પસ ખાતે રૂબરૂ મુલાકાત કરી શુભેચ્છા પાઠવવામાં આવી છે અને સરકારના બૃહદ વિકાસના હેતુને ધ્યાને લઈ રાજ્યના ખેડૂતમિત્રોની આવક વધારવામાં ઉપયોગી નીવડી શકે તેવા જ્ઞાનના વધારા માટે આ વિદેશી તાલીમ કેવી રીતે ઉપયોગી થઈ શકે તેનું સવિસ્તારમાં માર્ગદર્શન આપ્યું.


 આ શુભેચ્છા મુલાકાત સમયે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. કે. બી. કથીરીયા, સંશોધન નિયામક-ર્ડા. એમ. કે. ઝાલા, કુલસચિવ-ર્ડા. ગૌતમ પટેલ, તેમજ ર્ડા. આર. એસ. પુંડીર, NAHEP-CAAST યોજનાના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટીગેટર હાજર રહ્યા હતા. ઉપસ્થિતોએ ૧૧ વૈજ્ઞાનિકોને વિદેશ પ્રવાસની ત્વરીત મંજુરી આપવા બદલ  રાઘવજી પટેલ તથા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરીને વૈજ્ઞાનિકોને આ અમૂલ્ય તકનો લાભ લઈ અને ખેડૂતોની સમસ્યાના નિરાકરણ તેમજ તેમની આવકમાં વધારો થાય તેવી તાલીમ લઈ તેનો લાભ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને મળે તેવી વ્યવસ્થા કરવા પ્રેરીત કર્યા હતા.