આણંદના તારાપુરમાંથી પાકિસ્તાનના જાસૂસની ગુજરાત એટીએસએ ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસની તપાસમાં ખુલાસો થયો હતો કે પાકિસ્તાની જાસૂસી એજન્સીને ભારતીય ચલણ અને સીમ કાર્ડ મોકલતો હતો.                     


મળતી જાણકારી અનુસાર, આણંદના તારાપુરમાંથી લાભશંકર મહેશ્વરી નામનો પાકિસ્તાની જાસૂસ ઝડપાયો હતો. ગુજરાત એટીએસએ લાભશંકર મહેશ્વરીની ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસએ જણાવ્યું હતું કે લાભશંકર વર્ષ 2022ની શરુઆતથી પાકિસ્તાનની જાસૂસ એજન્સીના સંપર્કમાં હતો. લાભશંકર મૂળ પાકિસ્તાની હિંદુ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે લાભશંકર ઈન્ડિયન આર્મીના જવાનોના મોબાઈલ નંબર પહોંચાડતો હતો. ટેકનોલોજીથી ડિફેન્સના કર્મચારીઓના નંબર મોકલતો હોવાનો ખુલાસો પણ થયો હતો. જાસૂસીના બદલામાં પાકિસ્તાન લાભશંકરને મોટી રકમ ચૂકવે છે.


ગુજરાત એટીએસએ જણાવ્યું કે લાભશંકર વર્ષ 1999માં પત્ની સાથે સારવાર માટે ભારત આવ્યો હતો. ભારત આવ્યા બાદ સાસરીયાની મદદથી તેણે કરિયાણાની દુકાન શરૂ કરી અને લાભશંકરને વર્ષ 2006માં ભારતની નાગરિકતા મળી હતી. આરોપી વર્ષ 2022ની શરુઆતમાં પાકિસ્તાન ગયો હતો અને ત્યારે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં આવ્યો હતો. વ્હોટ્સએપ એકાઉન્ટની સુવિધા માટે પાકિસ્તાન સીમકાર્ડ મોકલ્યુ હતું.                     


દિલ્હીમાં પાકિસ્તાની એમ્બેસીની સંડોવણી છે કે નહી તેની ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. વ્હોટ્સએપના OTP મોકલવાનું કામ લાભશંકર કરતો હતો. તેણે જામનગરના વ્યક્તિના નામ પરથી સીમકાર્ડ ખરીદ્યુ હતું. જેના નામ સીમ કાર્ડ છે તે વ્યક્તિ હાલ ભારતની બહાર છે. શકલીન સોમાલિયા અને અઝગર હાલમાં દુબઈમાં છે.                 


2022ની શરૂઆતમાં આરોપી પાકિસ્તાનમાં તેના માતા-પિતાને મળવા ગયો હતો. આરોપીની વિઝા પ્રક્રિયા દરમિયાન અને તેના માતા-પિતાના ઘરે પાકિસ્તાનમાં રોકાણ દરમિયાન ત્યાં ખેતી પણ કરતો હતો. માનવામાં એવું પણ આવે છે કે, તે ત્યારથી જ તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે વાતચીત કરી રહ્યો છે. અનેક ભાડે આપેલી દુકાનો-સ્ટોર અને પોતાનું એક ઘર બનાવી તે સફળ વેપારી પણ બન્યો હતો. દરમિયાન આ દંપતીને કોઈ બાળક ન હતુ. ત્યારબાદ તેમને 2006માં ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી.