Amul: અમૂલ ડેરી પર પ્રથમ વખત ભગવો લહેરાયો છે. અમૂલ ડેરીના ચેરમેન તરીકે વિપુલ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે કાંતિભાઈ સોઢા પરમારની નિમણૂક કરવામાં આવી છે. વિપુલ પટેલ ભાજપ સાથે જોડાયેલા છે.
અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનના સંકલ્પ સાથે ચૂંટણી યોજાઈ હતી. પીએમ મોદી અને અમિત શાહની સૂચનાથી સુચારુ વહીવટના સંકલ્પ સાથે બંનેની નિમણૂક કરવામાં આવી છે. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ પર પ્રથમ વખત સંપૂર્ણ રીતે ભાજપનો ભગવો લહેરાયો છે. વિપુલ પટેલ અને કાંતિભાઈ સોઢા પરમાર બંને ભાજપ સાથે જોડાયેલા છે. પ્રથમ વખત ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ પર કમળ સોળે કળાએ ખિલ્યું છે. પશુપાલોકના હિત સર્વોપરી અને પારદર્શી વહીવટના સંકલ્પ સાથે બંનેની વરણી કરવામાં આવી છે.
જાણો કોણ છે અમૂલના નવા ચેરમેન વિપુલ પટેલ
- વિપુલ પટેલ છેલ્લી બે ટર્મથી નડિયાદ એપીએમસીના ચેરમેન રહી ચુક્યા છે
- વિપુલ પટેલ સ્વચ્છ અને કુશળ વહીવટકર્તાની છબી ધરાવે છે
- ખેડા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં મોટું નામ ધરાવે છે
અમૂલે થોડા દિવસ પહેલાં દૂધ-દહીંના ભાવમાં કર્યો હતો વધારો
અમૂલે થોડા દિવસ પહેલા દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જેના કારણે આમ આદમી વધુ એક ફટકો લાગ્યો છે. દૂધના ભાવમાં 3 રૂપિયા સુઘીનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે ગુજરાતમાં આ ભાવ વધારો લાગુ થયો નથી. કંપનીએ એક નિવેદનમાં માહિતી આપી છે કે ઉત્પાદન અને ખર્ચમાં વધારાને કારણે અમૂલ દૂધની કિંમતમાં વધારો થયો છે. કંપનીએ કહ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચારાની કિંમતમાં 20 ટકાનો વધારો થયો છે. કંપનીએ કહ્યું કે તેના કારણે દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે ઈનપુટ કોસ્ટમાં વધારો થવાથી ખેડૂતોના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 8-9 ટકાનો વધારો થયો છે.
અમૂલે છેલ્લે ક્યારે વધાર્યો હતો ભાવ
અમૂલે ઓગસ્ટ 2022માં દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો. ગુજરાત સહિત દિલ્હી એનસીઆર, મુંબઇ, પશ્વિમ બંગાળમાં આવતીકાલથી ભાવ વધારો લાગુ થયો હતો. 500 મીલી અમૂલ ગોલ્ડનો નવો ભાવ 31, 500 મીલી અમૂલ તાજાનો નવો ભાવ 25 રૂપિયા અને 500 મીલી અમૂલ શક્તિનો નવો ભાવ 28 રૂપિયા થયો હતો ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે ભાવ વધારો લાગુ કરાયો હતો.