આણંદઃ આણંદ ખાતે છેલ્લા બે દિવસથી ચાલી રહેલી પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ત્રીજા અને અંતિમ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મેં આજે વિદ્યાર્થીની જેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વાતો સાંભળી, હું ખેડૂત નથી પણ આચાર્ય દેવવ્રતની વાત સાંભળીને મને ઘણું શીખવા મળ્યું. વિશ્વભરમાં ખેતીને પણ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લાં 6-7 વર્ષમાં બિયારણથી લઈને બજાર સુધી, ખેડૂતોની આવક વધારવા માટે એક પછી એક અનેક પગલાં લેવામાં આવ્યાં છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, વિશ્વભરમાં ખેતીને પણ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, પણ નવા પડકારો સામે ખેતીમાં પરિવર્તન લાવવું જરૂરી છે. બિયારણોથી લઇને બજારો સુધી ખેડૂતો માટે અનેક કામો કરવામાં આવ્યાં છે. પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો બમણી આવક કરી શકે છે. આપણે મનમાં ધારી લીધુ છે કે, કેમિકલ વગર ખેતી નહીં થાય પહેલાના જમાનામાં પણ ખેતી થતી હતી અને ખેડૂતો આવક મેળવતા હતા. કૃષિ સંબંધિત સમસ્યાઓ વધુ વિકટ બને તે પહેલા મોટા પગલા લેવાનો આ યોગ્ય સમય છે. પ્રાકૃતિક ખેતીનો સૌથી વધુ ફાયદો દેશના 80 ટકા ખેડૂતોને થશે. અમૂલ ડેરીના હોલમાં યોજાઇ રહેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે જણાવ્યું હતું કે, સહકાર મંત્રાલયની સ્થાપના કરી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું છે. ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન માટે આ કાર્યક્રમ યોજાયો છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કૃષિ ઉત્પાદનથી જીડીપી ગ્રોથ વધારવામાં જોડાયા હતા. દેશના પહેલા મુખ્યમંત્રી હતા જેમણે આ વિચાર કર્યો હતો. નરેન્દ્ર મોદીએ પોતે જ પ્રાકૃતિક ખેતીનો પ્રોજેકટ તૈયાર કર્યો છે. ઓર્ગેનિક ઉત્પાદનને યોગ્ય ભાવ મળે તે જરૂરી છે. અમૂલ સહિતની સંસ્થાઓ આ પ્રોજેકટને આગળ વધારશે.