આંકલાવ: ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર હોય તે વાત અનેક વખત સાબિત થઈ ચૂકી છે. દારુ પીને ડ્રાઈવ કરવાની હોય કે દંગલ કરવાનું હોય, રોજેરોજ આવા બનાવો સામે આવતા રહે છે. આ ઉપરાંત રાજ્યમાં ભાગ્યે જ એવી કોઈ જગ્યા હશે જ્યાં દારુ ન મળતો હોય. આમ દારુબંધીની મોટી મોટી વાતો વચ્ચે હકિકત કઈંક અલગ છે.


તો બીજી તરફ જ્યારે પોલીસ દારુ રોકવા માટે કડક કાર્યવાહી કરે છે ત્યારે બુટલેગરો પણ તેમને હાથતાળી આપવા નવા નવા કિમીયા અપનાવતા રહે છે. હવે  બૂટલેગરોએ અમૂલના નામનો સહારો લીધો છે. દૂધના ટેમ્પામાંથી દારૂ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. આંકલાવના આસોદર પાસેથી આઇસરમાં ગુપ્તખાનું બનાવી લઇ જવામાં આવતો વિદેશી દારૂ ઝડપાયો છે.


આસોદર ચોકડી પાસે બાતમીના આધારે આણંદ lcb પોલીસે રેડ પાડી કાર્યવાહી કરી હતી. અમુલ મિલ્ક લખેલ આઇસરમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી  દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુપ્ત ખાનામાથી અલગ અલગ કંપનીનો વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા છે. આણંદ lcb પોલીસ દ્વારા તમામ મુદામાલ કબ્જે કરી ડ્રાયવની અટકાયત કરવામાં આવી છે. આઇસર સહિત મુદ્દામાલ આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો છે. આંકલાવ પોલીસ મથકે ગુનો નોંધવા કવાયત હાથ ધરવામાં આવી છે. દારૂ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવશે.


ગુજરાતમાં દારુબંધી હટાવવી જોઈએ


 આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુરમાં ભાજપ સાથે જોડાયેલા બુટલેગરો દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતા હોવાનુ જણાવ્યુ હતું. તેમણે વધુમાં કહ્યું કે,  સરકાર દારૂબંધી કરાવી ન શકતી હોય તો દારૂની પરમિશન આપી દેવી જોઇએ. રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતા અનેક કિસ્સાઓ છાશવારે સામે આવતા હોય છે અને દારૂબંધીની અમલવારી મામલે વિપક્ષ દ્વારા ભૂતકાળમાં પણ સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર ગંભીર આક્ષેપ કરી જણાવ્યું કે તેઓની આસપાસ ફરનારા બુટલેગરો છે.  


ચૈતર વસાવાના આક્ષેપ, રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે


ચૈતર વસાવાએ આક્ષેપો કર્યા કે, રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જે દારૂ વેચાય છે તે છેલ્લી કક્ષાનો દારૂ  છે. આ સાથે કહ્યું કે બુટેલગરોને નેતાનું સમર્થન છે.  છોટાઉદેપુર જિલ્લામાં યુવા અધિકાર યાત્રા દરમિયાન આ સવાલો તેમણે ઉઠાવ્યા હતા. ચૈતર વસાવા એ કહ્યું કે સરકાર અને પોલીસ જ દારૂની વ્યવસ્થા કરી આપે છે. જો સરકાર દારૂબંધીનો કડક અમલ ન કરાવી શકતી હોય તો સરકારે દારૂબંધી હટાવી દેવી જોઈએ. છૂટ આપી જોઈએ જેથી સારી ક્વોલિટીનો દારૂ મળે.  


ધારાસભ્ય ચૈતર વસાવાનું દારૂબંધીને લઈ  સ્ફોટક નિવેદન