Anand News : મધ્યગુજરાતના આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં લગ્નનોંધણીનું કૌભાંડ સામે આવ્યું છે. આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રેલ, ખાખસર અને સાઠ ગામે અને ખંભાત તાલુકાના જીણજ ગામે આ લગ્નનોંધણીના કૌભાંડમાં વર્ષો સુધી તલાટી તરીકે ફરજ બજાવતા તલાટીએ આ તમામ ગામોની વસ્તી કરતા લગ્નની નોંધણીની સંખ્યા વધુ કરી હતી.
સમગ્ર ઘટનાની આણંદ જિલ્લા સંકલન સમિતિમાં જાણ થતા આણંદ જિલ્લા વિકાસ અધિકારીએ તપાસનો આદેશ આપ્યો હતો. આણંદ જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર ઘટનામાં તપાસ કરતા તલાટી કસૂરવાર જણાતા તલાટીને સસ્પેન્ડ કરાયા છે.
આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રેલ, ખાખસર અને સાઠ ગામે અને ખંભાત તાલુકાના જીણજ તલાટી તરીકે ફરજ બજાવતા અરવિંદ મકવાણાએ તેમની રેલ અને વલ્લી તેમજ ખાખસર આ 3 ગામોમાં તલાટીની ફરજ દરમિયાન ગામની કુલ વસ્તીથી વધુ લગ્નની નોંધણી કરી હતી.
તલાટી અરવિંદ મકવાણા તેમના સાંઠ અને જીણજ ગામમાં ફરજ બજાવતા હતા ત્યારે ત્યાં પણ ગામની વસ્તીની સરખામણીમાં લગ્નની નોંધણી વધુ જણાઈ હતી.
આ સમગ્ર લગ્ન નોંધણી પ્રકરણ આણંદ જિલ્લા સંકલન સમિતિમાં ચર્ચા થતા આણંદ જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ તપાસ કરતા તલાટી અરવિંદ મકવાણા કસૂરવાર જણાતા તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાલ તારાપુર તાલુકા વિકાસ અધિકારીને આગળની તપાસ કરી પોલીસ ફરિયાદ નોંધાવા અધિકૃત કરવામાં આવ્યા છે.
5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર 40 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદની સજા
મહેસાણામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. મહેસાણાના વિજાપુર તાલુકાના એક ગામમાં વર્ષ 2020માં 5 વર્ષ અને 8 માસની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં 40 વર્ષીય આરોપી પટેલ વિક્રમ સોમાભાઇ બાળકીને ફટાકડા લઈ આપવાની લાલચ આપી એક્ટિવા પર લઈ ગયો હતો અને ગામની સીમમાં લઈ જઈ આ માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.
વલસાડમાં ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનીની હત્યા
વલસાડ જિલ્લાના ઉમરગામના દહાડ ગામે ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનીની હત્યા થઇ છે. ઉમરગામના દહાડ ગામે આ વિદ્યાર્થીની ટ્યુશનમાં જઈ રહી હતી એ દરમિયાન ત્રણ યુવકોએ એકલતાનો લાભ લઇ આ કિશોરીને ઘેરી હતી અને બાદમાં તેની હત્યા કરી નાખી હતી. જો કે પોલીસે CCTV અને અન્ય સર્વેલન્સથી પોલીસે ત્રણેય આરોપીને પકડી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.