આણંદઃ નેશનલ હાઈ-વે નંબર 48 પર આવેલા વાસદ ગેટ પાસે એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. એસટી બસે બે કાર અને બે કિન્નરોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક કિન્નરનું મોત થયું છે. બીજા કિન્નરને સારવાર માટે ખસેડાયો હતો.


આ અંગેની વિગતો એવી છે કે, વાસદ ટોલનાકા પાસે ગઈ કાલે સવારે બે કિન્નરો વાહન ચાલકો પાસેથી પૈસા માંગી રહ્યા હતા. આ સમયે અચાનક એસટી બસ પૂરપાટ ઝડપી આવી ચઢી હતી અને બંનેને અડફેટે લીધા હતા. આ ઉપરાંત બે કારને પણ અડફેટે લીધી હતી. જોકે, કારમાં બેસેલા કોઈને ઇજા નહોતી થઈ. પરંતુ બસની ટક્કર સોનમમાસીનું મોત થયું હતું.

સોનમમાસી દીશાકુંવર ઉર્ફે વિધાન (ઉ.વ.30, રહે. મુળ અલવર, રાજસ્થાન, હાલ પરીખભુવન આણંદ) તથા શબનમમાસી અડફેટે આવી જવા પામ્યા હતા. જેમાં સોનમમાસીને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતુ, જ્યારે શબનમમાસીને જમણા પગે, ખભા ઉપર ઈજાઓ થવા પામી હતી. અકસ્માત પછી ટ્રાફિજામ થયો હતો. પોલીસે ઘટનાસ્થળે આવી કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટનામાં વાસદ પોલીસે એસટી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.