આણંદઃ જિલ્લાના ખંભાતમાં કોરોનાને કારણે મોતને ભેટલા 63 વર્ષીય વૃદ્ધના અંતિમ સંસ્કાર મુદ્દે વિવાદ થતાં ટોળાએ પોલીસ પર હુમલો કર્યો છે. ખંભાતના મીરકોઈ વાડા વિસ્તારના 63 વર્ષીય વૃધ્ધનું 2 દિવસ અગાઉ મોત થયું હતું. મૃતકના સગા પણ ક્વોરોન્ટાઈન હતા, જેથી મૃતકની અંતિમવિધિ પ્રથમ આણંદ ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહમાં કરવાનું નક્કી થયું હતું. જોકે, ટેક્નિકલ ફોલ્ટનો પ્રશ્ન આણંદ સ્મશાન ગૃહ ઉભો થતા અંતિમવિધિ વિદ્યાનગર સ્મશાન ગૃહમાં નક્કી કરવામાં આવી હતી.


મૃતકને અંતિમવિધિ માટે વિદ્યાનગર સ્મશાન ગૃહ ખાતે લઈ જતાં અહીંના રહીશોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, ખંભાત પાલિકાના પ્રમુખની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વિદ્યાનગર હરિઓમ નગરમાં એક હજારથી વધુના ટોળાએ પોલીસ પર પણ હુમલો કરી દીધો હતો. આ પથ્થરમારામાં બે પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હતી.

તોફાનીઓને કાબૂમાં લેવા આણંદ એલસીબી, આણંદ ટાઉન પોલીસ, વિદ્યાનગર પોલીસ, એસઓજી આણંદ તેમજ આણંદ જિલ્લા એસપી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તોફાની ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસનાં સેલ છોડ્યા હતા. પોલીસે સરકારી કામમાં દખલ કરવાના ગુનો તોફાની ટોળા સામે નોંધવાની તજવીજ હાથ ધરી છે.