આણંદઃ ગુજરાતમાં કોરોનાએ (Gujarat Corona) કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે આણંદ જિલ્લા (Anand District) માં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે વધુ એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન (self lockdown) લગાવી દેવામાં આવ્યું છે. ઉમરેઠ (Umreth) પંથકમાં કોરોના સંક્રમણમાં વધારો થતાં લીંગડા (Lingada village)ના ગ્રામજનોએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે.
પંચાયત (Gram Panchayat) દ્વારા બપોર બાદ બજારો બંધ રાખવા આદેશ અપાયા છે. ઉમરેઠ પંથકના લીંગડા, પણસોરા માર્ગો અને બજારોમાં સન્નાટો ફેલાયો છે. ઉમરેઠ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે.
ઉમરેઠ નગરના દવાખાનાઓ હાઉસફુલ થઈ રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણને રોકવા ઉમરેઠ પંથકના લીંગડા ગ્રામ પંચાયત દ્વારા નગરજનોએ પોતાના ધંધા 12 વાગ્યા બાદ બંધ કરી ઘરે રહેવા અપીલ કરાઈ છે. પંચાયત દ્વારા ૧૦ દિવસ સુધી સ્વૈચ્છિક બંધ રાખવા આદેશ કરાયો છે.
અગાઉ પેટલાડ (Petalad)ના કોઠાવી (Kothavi) ગામે લોકડાઉન (Lockdown) લગાવ્યું છે. નોંધનીય છે કે, જીલ્લામાં પેહેલેથી જ ૩ ગામોમાં લોકડાઉન છે. વધતા સંક્રમણ ને રોકવા ગ્રામજનો લોકડાઉન કરી રહ્યા છે. આજથી ૧૭ એપ્રીલ તારીખ સુધી નિયત સમયનું લોકડાઉન રખાશે. સવારે ૭ થી ૧૦ અને સાંજે ૫ થી ૮ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રખાશે.
દાહોદમાં ફતેપુરાના બલૈયામાં કોરોના સંક્રમણને નાથવા સ્વેચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આજથી 8 એપ્રિલ સુધી ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. છ દિવસ માટે સવારના ૭થી ૧૦ વાગ્યા સુધી જ ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે. નિયમનો અનાદર કરનાર વેપારીને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય લેવાયો છે.
દાહોદ જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. શહેર સહીત હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો પગ પેસારો જોવાયો જેથી ફતેપુરા તાલુકામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણના કેસોમાં વધારો થતા બલૈયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના સહયોગથી કોરોના સંક્રમણને નાથવા પહેલ કરી સ્વૈચ્છિક લોકડાઉન કરી છ દિવસ માટે સવારના 7 થી 10 વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.
દાહોદ જિલ્લામાં કોરોનાના કેસની વાત કરીયે તો 3198 પોઝેટીવ કેસ નોંધાયા છે અને હાલ 174 કેસ એક્ટિવ છે ત્યારે બલૈયા ની વાત કરીયે તો 1600થી 1800 લોકોની વસ્તી ધરાવતા ગામ માં 18 કેસો એક્ટિવ છે, ત્યારે એકનું અવસાન થયું છે. જેને કારણે ગામમાં ભય જોવા મળ્યો હતો.
ગ્રામ પંચાયત એક્સનમાં આવી અને બલૈયા ખાતે સરપંચની અધ્યક્ષતામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ૩ એપ્રિલથી ૮ એપ્રિલ-૨૦૨૧ સુધી સ્વૈચ્છીક પણે પોતાના ધંધા-રોજગાર સવારના ૭ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખવા ગ્રામ પંચાયત દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. જેને ગ્રામજનોએ પણ આવકાર આપ્યો હતો. આજ રોજ સવારે 10 વાગે તમામ દુકાન બજારો વેપારીઓએ બંધ રાખ્યા હતા.
જોકે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવવામાં આવેલ નિયમ મુજબ જો કોઈ વેપારી જણાવેલ સમય પછી પોતાનો ધંધો રોજગાર ચાલુ રાખશે તો તેના પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે. બલૈયા ગામમાં કેટલાક લોકો કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળે છે. ત્યારે રોગચાળો વધુ વકરે નહીં તે હેતુથી બલૈયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના સહયોગથી સ્વેચ્છિક પણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનું તમામ ગ્રામજનોએ પાલન કરી રોગચાળાને નાથવા સહયોગ આપવા નજરે પડ્યો હતો.