ગાંધીનગર:  રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ બરાબર જમાવટ કરી છે. અમદાવાદને બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. હાલ રાજ્યમાં મોસમનો કુલ 52 ટકા વરસાદ પડી ચુક્યો છે. રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 42 જળાશયો 50 ટકે જેટલા ભરાઈ ગયા છે. જ્યારે 4 જળાશયો 100 ટકા એટલે કે સંપૂર્ણ ભરાયા છે. જ્યારે 7 જળાશયો 70થી 100 ટકા તેમજ 15 જળાશયો 50થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 57.08 ટકા ભરાયા છે.

સવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો સુરતના ઓલપાડમાં  12.04 ઈંચ, આણંદના ખંભાતમાં 11.28 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ખંભાતમાં 11 કલાકમાં 16 ઈંચ વરસાદથી જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. સુરતના ઉમરપાડામાં 8.4 ઈંચ, વલસાડના ધરમપુરમાં 5.4  ઈંચ, ડાંગના વઘઈમાં સાડા 5 ઈંચ, વલસાડના વાપીમાં સાડા 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત સુરતના માંગરોળમાં સાડા 4 ઈંચ, કામરેજમાં સાડા 4 ઈંચ, સુરત સિટીમાં સાડા 4 ઈંચ, વલસાડના કપરાડામાં સાડા 4 ઈંચ, ખેડાના કપડવંજમાં 4 ઈંચ, નવસારીના વાંસદામાં 4 ઈંચ, વલસાડના પારડીમાં સાડા ત્રણ ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં સાડા ત્રણ ઈંચ, નવસારીના ખેરગામમાં સાડા ત્રણ ઈંચ, તાપીના વ્યારામાં સાડા ત્રણ ઈંચ, વલસાડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.

સુરત શનિવારની વહેલી સવારથી મેઘરાજા મન મૂકી વરસતા ઠેરઠેર પાણીઓ ભરાય ગયા હતા. ખાડી, ગળનારા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે શહેરની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.