આણંદઃ સપ્ટેમ્બર 2022માં યોજાયેલી અત્યાર સુધીની વિશ્વની સૌથી મોટી આઇડીએફ વર્લ્ડ ડેરી સમિટ 2022ના સફળ આયોજનની સ્મૃતિમાં 13 ફેબ્રુઆરી, 2023ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલા અનુભવના શૅરિંગ અને અભિવાદન કાર્યક્રમ દરમિયાન આ સમિટને કાર્બન ન્યુટ્રલ ઇવેન્ટ જાહેર કરવામાં આવતાં તેની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગ બાબતોના માનનીય કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ આ અંગેની જાહેરાત કરી હતી તથા તેમણે આ સમિટ દરમિયાન પર્યાવરણને અનુરૂપ વિવિધ પગલાંઓ લઈ તેને આ સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ વર્લ્ડ ડેરી સમિટ બનાવવા બદલ આયોજકોને બિરદાવ્યાં હતાં.


પોતાના સંબોધનમાં મંત્રી પરષોત્તમ રૂપાલાએ આઇડીએફ ડબ્લ્યુડીએસના સાવધાનીપૂર્વકના પ્લાનિંગ અને આયોજન કરવામાં પોત-પોતાની રીતે યોગદાન આપનારા સૌ કોઇને અભિનંદન પાઠવ્યાં હતાં તથા તેમણે જણાવ્યું હતું કે, આ શિખરસંમેલનનું આયોજન કરવામાંથી જે શીખ પ્રાપ્ત થઈ છે, તે ભવિષ્યમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં મદદરૂપ થશે.


મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગ બાબતોના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી ડૉ. સંજીવ કુમાર બાલ્યાન પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમણે જણાવ્યું હતું કે, આઇડીએફ ડબ્લ્યુડીએસ 2022 એ ડેરી ક્ષેત્રનો આ પ્રકારનો પહેલો એવો કાર્યક્રમ છે, જેમાં માનનીય વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી તથા અન્ય સાત કેન્દ્રીય મંત્રીઓએ ઉપસ્થિત રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી, જેણે ડેરી ક્ષેત્રના મહત્ત્વ અંગે તથા ભારતમાં અમે ‘સહકાર સે સમૃદ્ધિ’ના અભિગમની સાથે કામ કરીએ છીએ, તેનો વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.


આઇએનસી-આઇડીએફના પ્રેસિડેન્ટ તરીકે ડીએએચડીના સચિવ રાજેશ કુમાર સિંહ, ડીએએચડીના અધિક સચિવ વર્ષા જોશી અને આઇએનસી-આઇડીએફના સભ્ય-સચિવ મીનેશ શાહ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ડીએએચડી, એનડીડીબી, જીસીએમએમએફ, કેએમએફ, મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ પ્રા. લિ., એનડીડીબી ડેરી સર્વિસિઝના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. આઇડીએફ-ડબ્લ્યુડીએસ 2022નું આયોજન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા સહભાગીઓએ તેમની સારી સ્મૃતિઓ વાગોળી હતી તથા આ પ્રકારના મહા-કાર્યક્રમનું આયોજન કરતી વખતે તેમણે અનુભવેલા પડકારો અને આ પડકારોને કેવી રીતે દૂર કરવામાં આવ્યાં, તેના અંગે વાત કરી હતી.


કેન્દ્રીય મંત્રીઓ રુપાલા અને ડૉ. બાલ્યાને આ સમિટનું આયોજન કરવામાં દિવસરાત એક કરી દેનારા વિવિધ સંગઠનોના અધિકારીઓ તથા આ સમિટને સેલ્ફ-ફાઇનાન્સ કરવા માટે સંસાધનો ઉપલબ્ધ કરાવનારા સ્પોન્સરોને અને આ સમિટનું સુચારુ આયોજન થાય તેની ખાતરી કરનારા ઉત્તર પ્રદેશના વહીવટીતંત્રને સન્માનિત કર્યા હતાં.


આઇએનસી-આઇડીએફના સભ્ય સચિવ મીનેશ શાહે આઇડીએફ ડબ્લ્યુડીએસ 2022ની મુખ્ય વિશેષતાઓ અંગે સહભાગીઓને ટૂંકમાં જાણકારી આપી હતી તથા જણાવ્યું હતું કે, ‘ડેરી ફૉર ન્યુટ્રિશન એન્ડ લાઇવલિહૂડ’ થીમની સાથે નાના ધારકો ધરાવતી ટકાઉ ડેરી સિસ્ટમનું પ્રદર્શન કરીને અમે વિશ્વને એ દર્શાવવામાં સફળ રહ્યાં હતાં કે, ડેરીઉદ્યોગ એ ખરેખર અમારા દેશમાં વિકાસનું એક સાધન છે. આથી વિશેષ, અમે વિશ્વ સમક્ષ એ મહત્ત્વનો મુદ્દો રજૂ કરી શક્યાં કે, પ્રાથમિક રીતે ઘાસચારો નીરવા પર આધારિત અમારું નાના ધારકો ધરાવતું ડેરીઉદ્યોગનું મોડેલ વિકસિત ડેરીઉદ્યોગ ધરાવતા અન્ય દેશોની સરખામણીએ પર્યાવરણની દ્રષ્ટિએ વધુ ટકાઉ છે. આઇડીએફ-ડબ્લ્યુડીએસ 2022ની મદદથી અમે વિશ્વ સમક્ષ આપણા નાના ધારકો ધરાવતા ડેરી સેક્ટરના સાચા પરિપ્રેક્ષ્યને રજૂ કરી શક્યાં.