આણંદ: GCMMFના એમડી આર એસ સોઢીએ રાજીનામું આપ્યા બાદ પહેલી પ્રતિક્રિયા આપી છે. સોઢીએ કહ્યું કે, મારુ રાજીનામું લેવામાં નથી આવ્યું કે મારી હકાલપટ્ટી પણ નથી કરાઈ. મેં જાતે જ રાજીનામુ આપ્યું છે. હું 40 વર્ષથી અમુલ સાથે સંકળાયેલ છું. આ ઉપરાંત હું આગામી સમયમાં પ્રાઇવેટ સેક્ટર નહીં જાવ. મારી હકાલપટ્ટી થઈ હોવાની વાત પાયાવિહોણી છે. તેમણે આગળ કહ્યું કે, અમુલે ઘણું બધું આપ્યું છે. કાર્યકાળ પૂરો થઈ ગયો હતો અને હું એકટેનશન પર હતો.


GCMMFના MD આર.એસ.સોઢીએ આણંદ ઓફિસને અલવિદા કરી દીધી છે. જતા સમયે તેમણે સ્ટાફના દરેક વ્યક્તિને હાથ મિલાવી આભાર વ્યક્ત કર્યો હતો. રાજીનામાં બાદ આર એસ  સોઢી આણંદ પહોંચ્યા હતા. આણંદ GCMMFના હેડક્વાર્ટર ખાતેથી આર એસ સોઢીએ વિદાય લીધી હતી. તેમના સ્થાને જયેન મહેતાને મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ સોપવામાં આવ્યો છે. 


જામનગર એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ


 જામનગર એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જેને લઈને જામનગર જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા છે.  ફલાઇટમાં ઘણા વિદેશી પેસેન્જર હાજર છે. કોઈ અફવાને લઈને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે.


આ અંગે સામે આવેલી માહિતી અનુસાર રશિયાના મોસ્કોથી ફ્લાઈટ ગોવા આવી રહી હતી. આ દરમિયાન ફ્લાઈટમાં કોઈ સંદિગ્ધ સામાન હોવાની અફવા ફેલાઈ હતી. જેને લઈને ફ્લાઈટનું જામનગર એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં 236 જેટલા પેસેન્જરો સવાર હોવાની માહિતી સામે આવી છે. હાલમાં જામનગર એરપોર્ટની અંદર બહારના વ્યક્તિઓને અંદર જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જામનગર કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ એરપોર્ટ પર પહોંચી ગયા છે.



રાજકોટમાં વ્યાજખોરોનો આતંક


રાજકોટ:  શહેર પોલીસે વધુ એક વ્યાજખોરીનો ગુનો નોંધ્યો છે, જંક્શન પ્લોટ વિસ્તારમાં રહેતા યુવકે હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા કટકે કટકે 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 4.30 લાખ રુપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે તારે કિડની વેચીને પણ વધુ પૈસા આપવા પડશે નહિતર ઉપાડી જઇશ તેવી ધમકી આપી હતી. એટલું જ નહિ વ્યાજખોરનો હવાલો લઇ અન્ય બે વ્યક્તિએ પણ ધમકી આપવાની શરૂ કરી હતી.


મળતી માહિતી મુજબ , જંક્શન પ્લોટના લોહાણાચાલ વિસ્તારમાં રહેતા અને નોકરી કરતાં રાજ અરવિંદ કારિયાએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માધાપર ચોકડી નજીકના ગોલ્ડન પોર્ટિકોટ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રશાંત સુભાષ પૂજારા, જામનગર રોડ રેલવે કોલોનીમાં રહેતા મિતેષ કિશોર કડીવાર અને નૈમિષ મહેન્દ્ર દવેના નામ આપ્યા હતા. રાજ કારિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2 નવેમ્બર 2021થી 13 જુલાઇ 2022 સુધીમાં તેને અને તેની માતાને કોરોના થતા હોસ્પિટલના ખર્ચ અને અન્ય ખર્ચ માટે પ્રશાંત પૂજારા પાસેથી 20,000 રુપિયા વ્યાજે લીધા હતા અને તેને નિયમિત વ્યાજ પણ ચૂકવતો હતો. કુલ 2 લાખ 30 હજાર વ્યાજ ચૂકવવાનું થતું હતું. 


રાજની માતાએ પણ તે જ્યાં કામ કરે છે ત્યાંથી ઉપાડ લઇને વ્યાજખોરના નાણાં ચૂકવ્યા હતા, અત્યાર સુધીમાં 4,30,500 ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે વધુ 1.70 લાખની ઉઘરાણી શરૂ કરી હતી અને ધમકી આપી હતી કે, કિડની વેચીને પણ પૈસા તો આપવા જ પડશે નહિતર તને ઉપાડી જઇને ટાટિયા ભાંગી નાખીશ. ત્યારબાદ મિતેષ કડીવાર અને નૈમિષ દવેએ વ્યાજખોર પ્રશાંત પૂજારાનો હવાલો લઇને રાજ પાસેથી ઉઘરાણી શરૂ કરી હતી અને અપહરણ કરી જવાની ધમકી આપતા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. વ્યાજખોરો 15 થી 20 ટકા વ્યાજ લગાવતા હતા અને દરરોજની 5 હજાર સુધીની પેનલ્ટી લગાવતા હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું.