Anand News: આણંદ કલેકટર કચેરી કાંડ મામલે એલસીબીને મહત્વના પુરાવા મળ્યા છે. આ ઉપરાંત સસ્પેન્ડેડ કલેકટર દિલીપ ગઢવીનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. કલેકટર દિલીપ ગઢવીને આપેલી ધમકીની પેન ડ્રાઈવ પણ પોલીસે કબજે કરી છે. ઉપરાંત આરોપી હરીશ ચાવડાની કારમાંથી પૈસા ગણવાનું મશીન, બે લેપટોપ તેમજ ફિંગર પ્રિન્ટ મશીન પણ પોલીસે જપ્ત કર્યા.
તમામ લોકોના પોલીસે નિવેદન લીધા
આરોપી જયેશ ઉર્ફે જે ડી પટેલે અમદાવાદથી સ્પાય કેમેરા ખરીદ્યા હતા. અમદાવાદની ઓબ્ઝર્વલ ડિજિટલ ટેકનોલોજીમાંથી ખરીદ્યા હોવાના પુરાવા મળ્યા છે. અન્ય બે સ્પાય કેમેરા ઓનલાઈન મંગાવ્યા હતા, તે પૈકી એક પેમન્ટ ડિજિટલ માધ્યમથી થયાના પણ પુરાવા મળ્યા છે. આ ઉપરાંત અગાઉ તોડેલી હાર્ડ ડિસ્કના બદલે નવી હાર્ડ ડિસ્ક ખરીદી હોવાના પણ પુરાવા મળ્યા છે. તમામ લોકોના પોલીસે નિવેદન લીધા છે. આરોપીઓ દ્વારા જે મહિલાનો હનીટ્રેપન મામલે ઉપયોગ કર્યો હતો તેના મોબાઈલ ફોનમાંથી જરૂરી ચેટ અને મેસેજીસ પણ રિકવર કરવામાં આવ્યા છે. તમામ ન્યુઝ ચેનલોને નડીયાદની પોસ્ટ ઓફીસમાંથી પેન ડ્રાઇવ પોસ્ટ થઇ હતી.
કેતકી વ્યાસના પિતા અખબારો વેચતા હતા
સમગ્ર કાંડના માસ્ટર માઈન્ડ કેતકી વ્યાસનો જન્મ સામાન્ય પરિવારમાં થયો હતો. કેતકી વ્યાસના પિતા વાસુદેવભાઈ અખબારો વેચતા હતા. વિરમગામ બસ સ્ટેન્ડ પાછળ પાટલી પર મૂકીને વહેલી સવારથી તેઓ અખબારો વેચતા હતા. સમગ્ર કાંડને કારણે આજે તેમની દીકરી પણ અખબારોની હેડલાઈન બની છે. સામાન્ય પરિવારમાંથી આવતી કેતકી દવે હાલ કરોડોની સંપત્તિ ધરાવે છે.
શું હતો મામલો?
આણંદ કલેક્ટર ડી એસ ગઢવી તેમની ચેમ્બરમાં એક મહિલા સાથે અશ્લિલ હરકત કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આઈએએસ લોબીમાં હાહાકાર મચી ગયો હતો. મીડિયા અહેવાલો બાદ આ મામલાએ એટલી તૂલ પકડી મામલો સીએમઓ ઓફિસ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ સરકાર પણ એક્શનમાં આવી અને તત્કાલીન આણંદ કલેક્ટર ડીએસ ગઢવીને ગેર શિસ્ત અને બેજવાબદારીના કારણોસર સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધા છે.