આણંદ: થોડા દિવસ અગાઉ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું ડેલિકેશન ન્યૂઝીલેન્ડ ગયું હતું. જ્યાં એક યુવતીની છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ થઈ હતી. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના બે ડિરેક્ટર પર ન્યૂઝીલેન્ડમાં ફરિયાદ થઈ હોવાની વાત સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં અમુલ ડેરીનું નામ બદનામ થયું હતું.
વિશ્વવિખ્યાત અમૂલ ડેરીનું નામ બદનામ થતાની સાથે અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે આ અંગે સ્પષ્ટતા કરી છે.


વિપુલ પટેલે કહ્યું કે, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અમૂલના કોઈપણ ડિરેક્ટર ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયા નથી આ સંપૂર્ણ બાબતે અમુલનું નામ ખરાબ થઈ રહ્યું છે. અમુલ બ્રાન્ડના નામે 18 જેટલા સંઘો દૂધનું વેચાણ કરે છે. આવી બદનામીના કારણે આ 18 સંઘો પાસેથી અમુલે પોતાનું નામ પાછું લેવાની ચીમકી આપી છે. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સ્થાપિત Amul ડેરીને અન્ય ડેરી સંઘો વચ્ચે સ્પર્ધાના સર્જાય તે માટે અમુલનું નામ આપવામાં આવ્યું હતું. ન્યૂઝીલેન્ડમાં બનેલી ઘટનાના કારણે વિશ્વવિખ્યાત સહકારીતાનું માળખું વિખેરાય તેવી વકી છે.


ડમીકાંડ મામલે વધુ 5 આરોપી જેલ હવાલે


ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડ મામલે રોજેરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ગઈ કાલે ડમીકાંડ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ આજે વધુ 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ચંદ્રદીપ ચૌહાણ, મહાવીરસિંહ સરવૈયા,કીર્તિકુમાર પનોત, સંજય સોલંકી,અને મહેશ ચૌહાણને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ડમી ઉમેદવાર કાંડમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. અન્ય 7 આરોપીઓ પૈકી 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ અને 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. 



વ્યાપક ડમીકાંડ અને તેની સાથે સામે આવેલા તોડકાર્ડ અંગે ગુજરાતના રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. રાજપૂત સમાજના આગેવાનોએ ગૃહરાજ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે યુવરાજસિંહ સામે દાખલ કરવામાં આવેલા ગુનાની ન્યાયિક તપાસ કરવામાં આવે. જે કોઈ કસૂરવાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પરંતુ યુવરાજસિંહ કે યુવરાજસિંહના પરિવારને ખોટી રીતે હેરાનગતિ કરવામાં ના આવે. આ ઉપરાંત યુવરાજસિંહ જે ડમીકાંડ બહાર લાવ્યા તે અને ભૂતકાળમાં જેટલી પણ ગેરરીતિઓ બહાર લાવ્યા છે તે અંગેની પણ યોગ્ય તપાસ કરવામાં આવે.