Anti Pak Protest: એક વિડીઓમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં એક રેલી થઈ રહી છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર છે.
Anti Pak Protest: પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આર્થિક, પૂર, લોટ અને ખાદ્યપદાર્થોની કટોકટીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનની સામે એક નવી સમસ્યા ઊભી થઈ છે. એક રીતે જોઈએ તો પાકિસ્તાન ચારે બાજુથી મુસીબતોથી ઘેરાયેલું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)નું ગિલગિટ બાલ્ટિસ્તાન ફરી એકવાર હેડલાઇન્સમાં છવાયું છે.
વાસ્તવમાં અહીંના લોકો પાકિસ્તાન સરકારની ભેદભાવપૂર્ણ અને પતનકારક નીતિઓથી ખૂબ નારાજ જોવા મળી રહ્યા છે. શોષણથી કંટાળીને સ્થાનિક લોકોએ ભારતનના લદ્દાખમાં સામેલ કરવાની માંગ કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઘણા વિડીઓમાં ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોની નારાજગી જોઈ શકાય છે.
ગિલગિટ બાલ્ટિસ્તાનમાં મોટી રેલી:
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં એક રેલી થઈ રહી છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર છે. રેલીમાં કારગિલ રોડને ફરીથી ખોલવામાં આવે અને બાલ્ટિસ્તાનને ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના કારગિલ જિલ્લામાં ફરીથી જોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
12 દિવસથી પાકિસ્તાન સરકાર વિરુદ્ધ પ્રદર્શન:
અહીં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ છેલ્લા 12 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોએ દેશમાં ઘઉં અને અન્ય ખાદ્ય ચીજો પર સબસિડીની પુનઃસ્થાપના, લોડ-શેડિંગ, ગેરકાયદેસર જમીન પર કબજો અને પ્રદેશના કુદરતી સંસાધનોનું શોષણ જેવા અનેક મુદ્દા ઉઠાવ્યા છે. ઘણીવાર એવા અહેવાલો આવે છે કે, પાકિસ્તાનની સેના ગિલગિટ બાલ્ટિસ્તાનની જમીન અને સંસાધનો પર બળજબરીથી કબજો કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન સેના અને સરકાર વિરુદ્ધ ઘણા સમયથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. અહીં જમીનનો મુદ્દો દાયકાઓથી ચાલી રહ્યો છે, પરંતુ 2015 થી, સ્થાનિક લોકો દલીલ કરી રહ્યા છે કે જમીન ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોની છે, કારણ કે આ વિસ્તાર PoK હેઠળ આવે છે. જો કે, જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે જમીન પાકિસ્તાની રાજ્ય સાથે જોડાયેલા કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવી નથી.