અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસને દિવસે વધી રહ્યો છે. રાજકોટ ગાંધીનગર બાદ હવે ભાવનગરમાં 4 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં જે 4 કેસ પોઝિટિવ આવ્યા છે તેમાંથી 3 પુરુષ અને 1 મહિલા દર્દીને કોરોના પોઝિટિવ આવ્યો છે. ભાવનગરમાં કુલ 70 જેટલા સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાંથી 4 પોઝિટિવ અને 66 નેગેટિવ આવ્યા છે. આ 4 કેસ સાથે ભાવનગરમાં કુલ કેસની સંખ્યા 22એ પહોંચી ગઈ છે. સાથે જ ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 291એ પહોંચી ગઈ છે.

આ પહેલા આજે રાજકોટમાં આજે 5 નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. બે દિવસ પહેલા જંગલેશ્વરના યુવકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જેના સંપર્કમાં આવેલ પરિવારજનોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા. છેલ્લા 24 કલાકમાં જંગલેશ્વર વિસ્તારમાં 7 કેસ સામે આવ્યા છે. આ પહેલા ગઈકાલે 2 મહિલાઓના કેસ પોઝિટિવ આવ્યા હતા.

રાજકોટમાં મોડી રાત્રે સેમ્પલ લેબોરેટરીમાં મોકલાતા આ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આજે પણ જંગલેશ્વર વિસ્તારમાં વધુ સેમ્પલ લેવામાં આવસે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપા આરોગ્ય વિભાગના અધિકારીઓએ જંગલેશ્વર વિસ્તારમાં ધ્યાન કેન્દ્રિત કર્યો છે. રાજકોટમાં પાંચ નવા કેસ આવતા કુલ કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 18એ પહોંચી ગઈ છે.

બીજી બાજુ આજે ગાંધીનગરમાં કોરોનાથી પહેલું મોત થયું છે. આ સાથે ગુજરાતમાં મૃત્યુઆંક 18એ પહોંચ્યો છે. આ સાથે આજે ગાંધીનગરમાં એક કોરોનાનો પોઝિટિવ કેસ પણ નોંધાયો છે. ત્યારે ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 14એ પહોંચી છે.

ગાંધીનગરના કોવિડ-19નો આવેલ પ્રથમ કેસ જે યુવક ઉમંગને આવ્યો હતો, તેના દાદાનું કોરાનાથી મોત થયું છે. ગાંધીનગર સિવિલ હિસ્પિટલમાં વહેલી સવારે સારવાર દરમિયાન મોત થયું છે. મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ સાંકળચંદ પટેલ છે. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે.

આ પહેલા ગઈકાલે સાંજે વડોદરાના નાગરવાડા વિસ્તારમાં વધુ 7 કેસ પોઝિટિવ આવતા વડોદરામાં કુલ કેસનો આંકડો 39 પર પહોંચી હતી. કચ્છમાં પણ વધુ એક કેસ નોંધાતા અહીં કુલ ત્રણ પોઝિટિવ કેસ થયા હતા.