ભાવનગર:  ભાવનગર શહેરમાં ખળભળાટ મચાવતી ઘટના બની છે. શહેરના વિઠલવાડી વિસ્તારમાં બે સગા ભાઇ પર ફાયરિંગની ઘટના બની છે. આ બનાવમાં કુલદીપસિંહ ઝાલાનું મોત થયું છે.  જ્યારે નાના ભાઈ ઋતુરાજસિંહ ઝાલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  હાલ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 4થી 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર ઘટના મામલે હાલ તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. 


આ ઘટનામાં ફાયરિંગ કરનાર વ્યક્તિની પોલીસે ઓળખ મેળવી લીધી છે.  બનાવ સ્થળ પર જ ફાયરિંગ કરીને હત્યા કરનાર આરોપીનું ઘર આવેલું છે.  ફાયરિંગ કરીને હત્યા કરનાર ઇસમ હાલ ઘરેથી ફરાર થઈ ચૂક્યો છે. 




આ ઘટના ને લઈ ભાવનગર જિલ્લા પોલીસવડા,  લોકલ ક્રાઈમ બ્રાંચ અને નીલમ બાગ પોલીસ બનાવ સ્થળ પર પહોંચી છે. જે સ્થળ પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું ત્યાંથી બે જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે.  ફાયરિંગ કરીને હત્યા કરવા પાછળનું કારણ શું છે તે હજી સુધી સામે આવ્યું નથી. પોલીસે હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે.   


ભાવનગર શહેરમાં બનેલી ફાયરિંગ અને હત્યાની ઘટનાને લઈ સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે.  બપોરના સમયે બનેલી આ ઘટનામાં  લોહીલુહાણ હાલતમાં બંને ભાઈઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એક ભાઈનુ મોત થયુ છે જ્યારે અન્ય એક ભાઈની સારવાર ચાલી રહી છે. 


પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર શહેરમાં આજે બપોરે 4 વાગ્યા આસપાસ   ઋતુરાજસિંહ અને કુલદીપસિંહને રાહુલ વેગડ નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. રાહુલ વેગડ દ્વારા પોતાના પાસે રહેલા હથિયારમાંથી અંદાજે ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હચમચાવતી ફાયરિંગની ઘટનમાં  કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ બંને ભાઈઓ ઘાયલ થઈ જતા બંનેને  હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કુલદીપસિંહને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક ભાઈ ઋતુરાજસિંહની હાલ સારવાર ચાલી રહી છે.


ભાવનગર શહેરમાં દિવસે બનેલી આ ઘટનાને શહેરને હચમચાવી નાખ્યું છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.  ફાયરિંગની જાણ થતા ભાવનગરની નીલમ બાગ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી  ગયા હતા. 


પોલીસ તપાસમાં આ ઘટનાસ્થળે થી પોલીસને ફાયરિંગ કરાયા બાદના 3 ખાલી કારતૂસ મળી આવ્યા છે.  શરૂઆતમાં બોલાચાલી અને બાદમાં  મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. આ હત્યા પાછળનું કારણ હાલ તો જાણી શકાયું નથી. પોલીસે ઘટનાનું કારણ જાણવા  તપાસ શરૂ કરી છે.