Bhavnagar:  ભાવનગર શહેરના એક વેપારીએ જીએસટીના અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના એક વેપારીએ જીએસટીના અધિકારીઓ વિરુદ્ધ હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં વેપારીએ GSTના અધિકારીઓ પરેશાન કરતા હોવાના આરોપ લગાવ્યો હતો. મહાદેવ ટ્રેડિંગ નામની પેઢીના વેપારી નરેશ આગીચાએ હાઈકોર્ટમાં પુરાવા સાથે ફરિયાદ કરી હતી. આ મામલે હાઇકોર્ટે જીએસટીના અધિકારીઓએ 22 ડિસેમ્બરે હાજર થવાનો આદેશ આપ્યો હતો.                   




પોતાની ફરિયાદમાં વેપારીએ કહ્યું હતું કે GSTના અધિકારીઓ સર્ચ દરમિયાન કાયદા વિરુદ્ધ જઈને વેપારી અને કર્મચારીઓના મોબાઈલ જપ્ત કરે છે. સાથે જ સમગ્ર ઘટના CCTVમાં રેકોર્ડ ન થાય એ માટે અધિકારીઓ જાતે જ DVR બંધ કરે છે. આ કેસમાં હાઈકોર્ટે GST કમિશ્નર સહિતના ત્રણ અધિકારીઓને 22 ડિસેમ્બરે હાજર થવા આદેશ કર્યો હતો.                         


રાજ્યમાં ફરી એકવાર આઇટીએ દરોડા પાડ્યા હતા. વડોદરાના R.R.કાબેલ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડી તપાસ શરૂ કરી હતી. અમદાવાદ, સુરત, સેલવાસ, મુંબઈના 40 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ગ્રુપના ચેરમેન રમેશ કાબરાને ત્યાં આઇટી વિભાગે તપાસ શરૂ કરી હતી. તે સિવાય તમામ ડાયરેક્ટરો,ડિસ્ટ્રિબ્યુટરને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. કાબેલ ગ્રુપ કેબલ અને વાયરના ધંધા સાથે સંકળાયેલ છે.  દરોડામાં મોટાપાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા છે.      


તાજેતરમાં સીજીએસટી સાઉથ અને નોર્થ કમિશનર દ્વારા આંતરિક પરિપત્ર જાહેર કરીને ડિપાર્ટમેન્ટની મુલાકાત માટે આવતા મુલાકાતીઓ અને કરદાતાના પ્રવેશ પર કડક નિયમ લાગુ કર્યો હતો. મુલાકાતીએ પહેલાં જે અધિકારીને મળવું છે તે અધિકારીની પરવાનગી લેવી પડશે. આ અધિકારી ગેટ પર જાણ કરે ત્યારે તે મુલાકાતીને ગેટ પાસ બનાવીને આપવામાં આવે છે. ગેટ પાસ લઇને મુલાકાતી જે તે અધિકારીને મળવા જવાનું અને ગેટ પાસમાં તે અધિકારીની સહી લાવવાની રહે છે. પહેલાં સીજીએસટીની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે આવો કોઇ નિયમ નહોતો પરંતુ ફક્ત ગેટ પર રજિસ્ટરમાં એન્ટ્રી કરવાની રહેતી હતી. આ નિર્ણયના કારણે કરદાતાઓને ડિપાર્ટમેન્ટના ગેટથી પરત આવવું પડે છે.