ભાવનગર: ભાવનગરમાં બે સ્થળો પર ચોરીની ઘટના બની છે. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં તસ્કરો ત્રાટકી રૂપિયા 1.22 લાખની મત્તા ઉઠાવી ગયા હતા. પરિવાર પાલીતાણા હાથસણી ગામે વતન ગયો હતો અને તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
અજાણ્યા શખ્સોએ રહેણાકી મકાનમાં મેઈન દરવાજાના તાળા તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરી કરી નાસી છૂટ્યા હતા. મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલા રૂપિયા 50,000 રોકડ સોનાની બે નંગ બુટી, લેપટોપ, રૂપિયા ભરેલો લાકડાનો ગલ્લો અને એક મોબાઇલ મળી કુલ રૂપિયા 1,22,998 ના મુદ્દામાલની ચોરી થયાની નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જયારે શહેરના રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં પણ ચોરીની ઘટના બની હતી. સમ્રાજ્ય સોસાયટીમાં રહેતા એડવોકેટ પરિવાર માતાના ઘરે ગયા હતા. તે સમયે તસ્કરો ત્રાટકી સોનના દાગીના અને રોકડ સહીત રૂપિયા 1.75 લાખ ઉઠાવી નાસી છૂટ્યા હતા. જે બનાવ અંગે ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને ઘટનામાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
સિહોર પોલીસની દાદાગીરી, વેપારી પાસેથી લૂંટી રહી છે સામાન
ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકાનું પોલીસ મથક વિવાદોથી ઘેરાયું છે જેને લઈને અનેક સવાલો પોલીસ પર ઊભા થઈ રહ્યા છે. સિહોર પોલીસ દ્વારા કરવામાં આવતી કન્નડગત અને નિર્દોષ વ્યક્તિને મારવામાં આવી રહ્યા છે જેને લઈને સિહોરની જનતામાં ભારે રોષ પોલીસ સામે ઉઠ્યો છે. પોલીસ દ્વારા મફતમાં દુકાનદારો પાસે લૂંટફાટ મચાવવામાં આવે છે જેનો વિડીયો વાયરલ થયો છે. આમ પોલીસ દ્વારા કરવામાં આવતી પરેશાનીને લઈને આજે સિહોરની જનતા સિહોર પોલીસ સ્ટેશન ખાતે એકઠી થઈ હતી.
પોલીસ દ્વારા મફતમાં લૂંટફાટ મચાવવામાં આવે છે
રાજ્યમાં પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું છે પરંતુ ભાવનગરનું સિહોર પોલીસ મથક કે જે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેનું કારણ એ છે કે સિહોર પોલીસના વિડીયો વાયરલ થયા છે જેને લઈને સિહોર પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ટાણા રોડ પર આવેલ ભવાની દુકાન પરથી પોલીસ અવારનવાર મફતમાં ચીજ વસ્તુઓ લઈ રહી છે જેને લઈને વેપારીઓનું કહેવું છે કે રોજનું લાવીને રોજ ખાતા હોય છે અને પરિવારનો ગુજરાન ચલાવતા હોય છે તેવામાં પોલીસ દ્વારા મફતમાં લૂંટફાટ મચાવવામાં આવે છે જેના કારણે ધંધો કરવો પણ મુશ્કેલ બન્યો છે.