ભાવનગર: રાજસ્થાનના ભરતપુર પાસેની દુર્ઘટનામાં ભાવનગરના 12 યાત્રાળુઓ માટે જીવનની અંતિમયાત્રા બની ચૂકી છે. આ દુર્ઘટનાના 24 કલાક બાદ તમામના પાર્થિવ દેહને પોતાના વતન દિહોર ગામ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં પૂરાં ગામ દ્વારા અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ ગામમાં અનેક પરિવારોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. હર્ષ ઉલ્લાસ સાથે રાજસ્થાનથી ગોકુળ મથુરા જતી બસને દુર્ઘટના નડતા 12 નિર્દોષ શ્રદ્ધાળુઓ જીવ ગુમાવાનો વારો આવ્યો હતો. દિહોર ગામમાં આજે એક સાથે 10 અર્થી ઉઠતા હૈયાફાટ રુદન વચ્ચે તમામની અંતિમવિધિ કરવામાં આવી હતી.
ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે ક્યારે કોનું મોત ક્યાં થશે તે કુદરત ના હાથમાં છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામેથી ગોકુળ-મથુર, હરિદ્વારની ધાર્મિક યાત્રાએ નીકળેલી ટ્રાવેલ્સ બસને રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં દર્દનાક માર્ગ અકસ્માત નડયો હતો. આ ગોઝારી કરૂણ ઘટનામાં તળાજા તાલુકાના 1 અને દિહોર ગામના 10 અને ભાવનગરના ૦૧ મળી ૧૨ શ્રધ્ધાળુને મથુરા પહોંચે તે પહેલા મોતને ભેટ્યા હતા. ભાંગતી રાત્રે હાઈવે પર બનેલી કમકમાટીભરી ઘટનાને કારણે રાજસ્થાન નેશનલ હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ચારે કોર લાસો વિખેરાયેલી પડી હતી.
કાળજુ કંપાવી દેનારી ગોઝારી દુર્ઘટના અંગે મળતી વિગત અનુસાર તળાજા તાલુકાના દિહોર ગામેથી બજરંગદાસ બાપા આશ્રમ સેવક સમુદાય દ્વારા હરિદ્વાર, ગોકુળ-મથુર વગેરે ધાર્મિક સ્થાનકોની બસ યાત્રાનું આયોજન કરાયું હતું. ગત શનિવારે ભાવનગરની કાર્તિક ટ્રાવેલ્સની સ્લીપર બસ નં.જીજે.૦૪.વી.૭૭૪૭માં મહિલાઓ, પુરૂષો મળી ૫૭ શ્રધ્ધાળુ અને ડ્રાઈવર-કંડક્ટર, રસોયા મળી કુલ ૬૪ મુસાફરો રવાના થયા હતા.
ગઈકાલે મંગળવારે પુષ્કર પહોંચ્યા બાદ રાત્રિના ૯ કલાકે જમણવાર પુરો કરી યાત્રાળુઓની બસ ગોકુળ-મથુરા જવા માટે નીકળી હતી. ત્યારે વહેલી સવારે ૪-૧૫ કલાકના અરસામાં બસ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના નદબઈ તાલુકાના લખનપુર પોલીસ મથકની હદમાં આવતા દહેરા મુંદી નજીક જયપુર નેશનલ હાઈવે પર હન્તરા ઓવરબ્રીજ પાસેથી પસાર થતી હતી. ત્યારે અચાનક ડીઝલ પાઈપ ફાટતા બસ ઉભી રાખી રિપેરીંગ અને ડીઝલની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી. તે વેળાએ જ કુદરતે કલ્પી ન શકાય તેવો લેખ લખ્યો હોય તેમ યમદૂત બનીને આવી રહેલ એક અજાણ્યા ટ્રેલર ટ્રકે બસની પાછળના ભાગે જોરદાર ટક્કર મારતા બસથી નીચે ઉભેલા અને અંદર રહેલા કુલ ૨૨ જેટલા લોકોને નાની-મોટી ગંભીર ઈજા થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ૧૦ યાત્રિકોના સ્થળ પર અને બે શ્રધ્ધાળુના સારવારમાં મળી કુલ ૧૨ વ્યક્તિના કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા.
આ બસ દુર્ઘટનાના 24 કલાક બાદ રાજસ્થાન સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મૃતકોના પાર્થિવ દેને પોતાના વતન ખાતે લાવવામાં આવ્યા હતા. દિહોર ખાતે લાવવામાં આવેલા મૃતદેહને પુરા ગામ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સમગ્ર દુર્ઘટનાને લઇ દિહોર ગામ હિબકે ચડ્યું છે.
મૃતકોના નામ
(૧) અંતુભાઈ લાલજીભાઈ જાની
(ર) નંદરામભાઈ મથુરભાઈ જાની
(૩) ભરતભાઈ ભીખાભાઈ પરમાર
(૪) લલ્લુભાઈ દયારામભાઈ જાની
(૫) લાલજીભાઈ મનજીભાઈ ઘોયલ
(૬) અંબાબેન જીણાભાઈ બારૈયા
(૭) કમુબેન પોપટભાઈ મકવાણા
(૮) રામુબેન બુધાભાઈ ડાભી
(૯) મધુબેન અરવિંદભાઈ ડાભી
(૧૦) અંજુબેન ફાફાભાઈ ઘોયલ
(૧૧) મધુબેન લાલજીભાઈ ચુડાસમા
(૧૨) કંકુબેન લાલજીભાઈ ચુડાસમા