BHAVNAGAR: ગુજરાત એટલે સિંહોની વતન કહેવાય છે અને દર વર્ષે સિંહની વસ્તી વધતી રહે છે બીજીબાજુ સિંહની જે રહેઠાણ માટેની મર્યાદિત જગ્યાઓ હતી તે હવે માનવ વસવાટના કારણે ભલે ઘટી હોઈ પરંતુ સરકારે બૃહદ વિસ્તારનો એરિયા વધાર્યો છે. જે મુજબ હવે ગીરના સિંહ ભાવનગરની ભાગોળ સુધી પહોંચ્યા છે. એટલું જ નહીં ભાવનગર જિલ્લામાં સિંહની સંખ્યામાં ભારે વધારો થયો છે પરંતુ ઘર આંગણે જોવા મળતા સિંહને રંજડવામાં ના આવે તો સિંહ મનુષ્યના મિત્ર તરીકે પણ ઓળખાય શકે છે.


ભાવનગર જિલ્લાનું બૃહદ ગીર ગણાતા વિસ્તારમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગણતરી મુજબ હાલમાં કુલ 46 સિહોની સંખ્યા નોંધાય રહી છે. જિલ્લામાં મુખ્યત્વે જેસર, મહુવાનો જંગલ વિસ્તાર અને પાલીતાણામાં સિંહો અવારનવાર દેખા દેતા હોય છે. ભાવનગર જિલ્લામાં અનુકૂળ વિસ્તાર અને વાતાવરણના કારણે ડાલામથ્થાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો હોય તેવું મનાઈ રહ્યું છે. 2020ની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 674 નોંધાઈ હતી. 


2019ની સરખામણીએ આ સંખ્યામાં 28.9 ટકાનો વધારો નોંધાયો હતો. આ અગાઉ 2015માં પણ ગુજરાતમાં સિંહોની સંખ્યામાં 2 ટકાનો વધારો થયો હતો. ગુજરાતમાં 2015માં કુલ 523 સિંહ હતા જે હવે વધીને 710 સુધી પહોંચી ગયા છે. જેમાં ભાવનગર જિલ્લામાં પણ સિંહનો વિસ્તાર ખૂબ જ વિશાળ હોવાથી અમરેલી ધારી સહિતના જંગલ વિસ્તારમાંથી ભાવનગરમાં સિંહો પ્રયાણ કરી રહ્યા છે.


વન વિસ્તારમાંથી સિંહો રહેણાક વિસ્તારોમાં વિચરણ કરતા જોવા મળ્યા હોય એવી ઘટનાઓ છેલ્લાં થોડાં વર્ષોમાં અનેક વખત નોંધાઈ છે. છેલ્લા એક વર્ષમાં ભાવનગરમાં માનવ વસાહતમાં આવી ચઢેલા સિંહોના એક ડઝન જેટલા વીડિયો વાઇરલ થયા છે. જેમાંથી કેટલાક વીડિયોમાં ગ્રામજનો સિંહોને પરેશાન કરતા પણ જોવા મળી રહ્યા છે. સિંહોની સંખ્યા વધી રહી છે એ સામે પડકારો પણ છે. વધતી જતી સિંહોની સંખ્યા સામે સિંહો માટેનો સંરક્ષિત વિસ્તાર નાનો પડી રહ્યો છે. ખાસ કરીને સિંહો પાંચ જિલ્લાઓ જેમકે ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં જોવા મળે છે. સરવાળે સ્થિતિ એવી સર્જાઈ છે કે સિંહો સંરક્ષિત વિસ્તારમાંથી બહાર નીકળે છે અને માનવવસાહતો ધરાવતા વિસ્તારોમાં આવી ચઢે છે.


એશિયાટિક સિંહોએ ગુજરાતના આ વિસ્તારને બનાવ્યું પોતાનું બીજુ ઘર


બરડા વન્યજીવ અભયારણ્યમાં રેડિયો કૉલર લગાવેલા નર સિંહે દેખા દેવાની સાથે ગુજરાત અને ભારતના ગૌરવ એવા એશિયાટિક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું છે. બરડામાં સિંહ છેક સન્ 1879માં છેલ્લે દેખાયો હોવાનું નોંધવામાં આવ્યું હતું, તેમ ગીર સિંહોના પ્રેમી અને ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.


આ નર સિંહને પ્રથમ વખત 2022માં માધવપુર રાઉન્ડમાં જોવામાં આવ્યો હતો. સાંસદ પરિમલ નથવાણીએ માહિતી આપી હતી કે, લગભગ સાડા ત્રણ વર્ષની ઉંમરનો નર સિંહ જાન્યુઆરી 18, 2023ના રોજ બરડા અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પોરબંદર વન્યજીવ વિભાગની રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડની મોટા જંગલ બીટમાં દેખાયો હતો. આ નર સિંહને પ્રથમ વખત ઓક્ટોબર 3, 2022ના રોજ પોરબંદર વન્યજીવ વિભાગના માધવપુર રાઉન્ડમાં જોવામાં આવ્યો હતો.


દરીયાકાંઠાના જંગલો અને ખરાબામાં વિવિધ રહેણાંકોમાં લગભગ ત્રણ મહિના વિતાવ્યા બાદ આ નર સિંહ બરડા વન્યજીવ અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પર દેખરેખ રાખવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા ઓક્ટોબર 29, 2022ના રોજ તેને રેડિયો કૉલર લગાવવામાં આવ્યો હતો નોંધનિય છે કે ‘પ્રોજેક્ટ લાયનઃ લાયન@47 વિઝન ફોર અમૃતકાલ’ દસ્તાવેજ અનુસાર, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના બરડા વન્યજીવ અભયારણ્યની એવા સંભવિત સ્થાન તરીકે ઓળખ કરીને ચકાસણી કરવામાં આવી છે જ્યાં 40 વયસ્ક અને સબ-વયસ્ક સિંહો કુદરતી ક્રમમાં છૂટા પડીને બરડા-આલેચ ટેકરીઓ અને દરીયાકાંઠાના જંગલોમાં રહી શકે.


વડાપ્રધાન મોદીએ ગિરના સિંહોના મહત્વને જાણ્યું હતું અને આ કિમતી વન્યજીવની સમૃધ્ધિ માટેનો રોડમેપ તૈયાર કર્યો હતો. સિંહ અને વન્યજીવ પ્રેમી તરીકે હું ખૂબ જ ખુશ છું કે એશિયાટીક સિંહો કુદરતી રીતે ગુજરાતમાં જ અલગ થઈ રહ્યા છે અને તેમાંથી એક પોતાની મેળે જ કુદરતી રીતે બરડા વન્યજીવ અભયારણ્યમાં પહોંચ્યો. મને આશા છે કે ગુજરાતના વન વિભાગ અને સ્થાનિક સમુદાયોની સંયુક્ત દેખરેખ હેઠળ થયેલા સિંહના કુદરતી અને આપમેળે જ થયેલાં સ્થળાંતરને પ્રોજેક્ટ લાયન હેઠળ ભારત સરકાર અને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા વધારે પ્રોત્સાહન આપવામાં અને મજબૂત બનાવવામાં આવશે.