Bhavnagar :  સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતા પરિવાર માટે બીપીએલ કાર્ડ અંતર્ગત રેશનિંગમાંથી ત્રણ રૂપિયે કિલો ચોખા મળતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી રેશનિંગના અનાજનું   બારોબાર વેચાણ થતું હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે ભાવનગરમાં સરકારી ચોખા ભરેલો ટ્રક  બિનવારસી હાલતમાં ઝડપાતા  કરોડોના કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. શહેરના ચિત્રા GIDC વિસ્તારમાંથી આ ટ્રક ઝડપાયો હતો. સમગ્ર મામલો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઉજાગર કર્યો હતો. 


રોડલાઇન્સના માલિકે શું ખુલાસો કર્યો? 
કુંભારવાડા FCI માંથી સરકારી અનાજનો જથ્થો ભરી નીકળેલો ટ્રક ચિત્રા જીઆઇડીસીમાં પહોંચી જતા પુરવઠા વિભાગ અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, જોકે આ ટ્રકના મલિક સુંદરમ રોડલાઈન્સના દ્વારા બચાવ કરતાં જણાવવામાં આવ્યું હતું કે રાત્રિના સમયે જે ટ્રકમાં સરકારી અનાજનો જથ્થો ભરેલો હતો એ ટ્રક ડ્રાઇવરને અજાણ્યા ત્રણ શખ્સોએ માર માર્યો હતો.  ત્યારબાદ કોઈ ઇસમોએ ટ્રકને ચિત્રા જીઆઇડીસીમાં લાવીને મૂકી દીધો હતો.  જોકે સમગ્ર મામલે તપાસનાં અંતે કૌભાંડ છે કે નહીં તે બહાર આવશે. 


ડી ડિવિઝન પોલીસે શરૂ કરી તપાસ 
રોડલાઈન્સના માલિકના જણાવ્યા મુજબ કોઇ અજાણ્યા ત્રણ ઈસમોએ ટ્રક ડ્રાઈવર ને કુંભારવાડા FCI ની બહારથી માર મારી ભગાડી મૂક્યો હતો અને ત્યાર બાદ ટ્રક ડ્રાઈવરે ટ્રકનાં માલિકને આ અંગે જાણ કરતાં ડી.ડિવિઝન પોલીસને સમગ્ર મામલો જણાવી માર માર્યા અંગેની અરજી કરાવી હતી ત્યારબાદ સરકારી બિનવારસીના અનાજના જથ્થા અંગે પુરવઠા વિભાગ અને બોરતળાવ ડી. ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 


શું કહ્યું પ્રાંત અધિકારીએ ? 
બનાવ અંગે પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ પુરવઠા વિભાગ દ્વારા ટ્રકને કબજે લેવામાં આવ્યો છે અને પુરવઠા વિભાગ જેમને સરકારી અનાજ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમના નિવેદન અને ટ્રક ડ્રાઈવરનું નિવેદન સહિતની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે, સમગ્ર મામલે નવો વળાંક સામે આવતા ડી. ડિવિઝન પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા મારફત તપાસ હાથ ધરવામાં આવી છે. 


થોડા દિવસ પહેલા જે ફેક્ટરીમાંથી સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો હતો એજ ફેક્ટરીની બહારથી સરકારી ચોખા ભરેલો ટ્રક ઝડપાયો છે, જે અનેક પ્રશ્નો ઉભા કરે છે.