ભાવનગર:  ડીએસપી કચેરીની બહાર યુવરાજસિંહના સમર્થનમાં વિદ્યાર્થીઓ સાથે રહેલ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ મહિપાલસિંહ ઝાલાની પોલીસે ધરપકડ કરી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની 9 કલાકથી SOG પોલીસ પૂછપરછ કરી રહી છે યુવરાજસિંહના સમર્થનમાં ડીએસપી કચેરીની બહાર વિદ્યાર્થીઓ અને આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા છે. સ્થિતિ વધુ વણશે નહીં તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો


વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. યુવરાજસિંહ સામે ફરીયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લાંબી પુછપરછ બાદ યુવરાજસિંહ સામે ફરીયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફરીયાદ નોંધાયા બાદ પોલીસ સત્તાવાર માહિતી આપશે. કલમ 388, 120b હેઠળ ગુન્હો નોંધવાની તજવીજ શરૂ. તો બીજી તરફ આ મામલે રેંજ આઈજી ભાવનગર ગૌતમ પરમાર દ્વારા 9:00 વાગ્યે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ મામલે પોલીસ સત્તાવાર જાહેરાત કરશે.


 



પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પર લગાવ્યા ગંભીર આરોપ









ભાવનગર એસઓજી સમક્ષ હાજર થતા અગાઉ યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે ડમીકાંડ છૂપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે તેનો પર્દાફાશ કરીશ. અમે જેટલા નામો આપીએ છે તેની તપાસ પોલીસ કરતી નથી.યુવરાજસિંહે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. યુવરાજે કહ્યું હતું કે મોટા રાજકીય માથાઓ અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક રાજકીય નેતાઓએ પાર્ટીમાં આવવાની ઓફર આપી હતી.


યુવરાજે કહ્યું હતું કે 2004થી ડમીકાંડનું કૌભાંડ ચાલે છે. આ ડમીકાંડથી અનેક લોકો અધિકારીઓ બની ગયા છે. સરકાર આરોપીને સાક્ષી બનાવી અમને સમન્સ પાઠવે છે. ભાજપનો ખેસ પહેરનારાઓને સમન્સ પાઠવવામાં આવતા નથી. કૌભાંડીઓને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળના તત્કાલિન ચેરમેન અસીત વોરાને સમન્સની યુવરાજની માંગ છે.


પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પર યુવરાજસિંહે ગંભીર આરોપ લગાવ્યા હતા. યુવરાજસિંહે જીતુ વાઘાણીના નામનું સમન્સ નીકાળવા માંગ કરી હતી. અવધેશ, અવિનાશ, જસુ ભીલના નામનું સમન્સ નીકળવું જોઇએ. પંચાયત સેવા પસંદગી મંડળના તત્કાલિન અધ્યક્ષનું નિવેદન પણ લેવું જોઇએ.યુવરાજ સિંહે વધુ 30 નામો પોલીસને આપવાનો દાવો કર્યો હતો. યુવરાજસિંહે કહ્યું કે પૂર્વ ગૃહરાજ્યમંત્રી, વર્તમાન મંત્રીને અનેક પુરાવા આપ્યા છતાં કાર્યવાહી નહી. યુવરાજે દાવો કર્યો હતો કે મને પક્ષનો ખેસ પહેરાવવાનો પ્રયાસ થયો હતો.