Bhavnagar : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા દ્વારા ભાવનગરની સરકારી શાળાઓની મુલાકાત લીધા બાદ ભાવનગરનું શિક્ષણતંત્ર દોડતું થયું છે. મનીષ સિસોદિયાની મુલાકાત બાદ ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી દ્વારા તાત્કાલીક બેઠક  બોલાવવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ બેઠકમાં શહેરની સરકારી શાળા અને તેની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. 


મનીષ સિસોદિયાએ જે શાળાની મુલાકાત લીધી હતી તે શાળાનું બિલ્ડીંગ જૂનું છે એમ શાસનાધિકારીએ સ્વીકાર્યું, પણ સાથે એમ પણ કહ્યું કે બાળકો પરંતુ ભયના ઓથાર નીચે અભ્યાસ નથી કરી રહ્યા. અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અગાઉ શાળાના રીનોવેશન માટે સર્વે કરી દેવામાં આવ્યો છે પરંતુ તેની પ્રક્રિયા બાકી છે. 


આ સાથે જ તેમણે કહ્યું કે મનીષ સિસોદિયા દ્વારા જે શાળાની મુલાકાત લેવામાં આવી છે તેમાં ચાર સ્માર્ટ ક્લાસ છે અને અગાઉ આ શાળામાં 23 લાખનું રીનોવેશન માટે ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. ભાવનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 55 શાળાઓમાં 113 શિક્ષકોની ઘટ છે તેનો પણ તેમણે સ્વીકાર કર્યો. 


એકાદ-બે LED લગાવી દેવાથી સ્માર્ટ શાળા બની જતી નથી : સિસોદિયા
આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણપ્રધાન  મનીષ સિસોદિયા ભાવનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના મતવિસ્તારમાં આવેલી સ્કૂલો અંગે તેઓએ માહિતી મેળવી હતી સાથે જ તેમણે શહેરની હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62  મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા અને સિદસર ખાતે આવેલી કેન્દ્રવર્તી શાળાની મુલાકાત લીધી હતી.


સરકારી શાળાની મુલાકાત લઈ મનીષ સિસોદિયાએ કહ્યું કે હું આવવાનો હતો એટલે સાફ-સફાઈ તો કરી છે પણ એટલી થઈ નથી, હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62ની મુલાકાત લઇ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માત્ર એકાદ-બે LED લગાવી દેવાથી સ્માર્ટ શાળા બની જતી નથી. શાળામાં ગાબડાં પડી ગયાં છે, એ જર્જરિત છે. બાળકો ભયના ઓથાર નીચે જીવે છે, જેથી એને રિપેરિંગ કરાવવી જોઈએ અહીં આવીને મેં જોયું કે શિક્ષણપ્રધાનના મત વિસ્તારમાં જ શાળાઓની હાલત કેટલી ખરાબ છે.