Amarnath Yatra:  હાલ અમરનાથ યાત્રા ચાલી રહી છે. થોડા દિવસ પહેલા ખરાબ હવામાનના કારણે યાત્રા અટકાવી દેવામાં આવી હતી, તે સમયે ફસાયેલા ગુજરાતીઓનો વીડિયો વાયરલ થયો હતો. આ દરમિયાન અમરનાથ યાત્રામાં વધુ એક ગુજરાતીનું મોત થયું છે. ભાવનગરના સિદસર ગામની મહિલાનું અમરનાથ યાત્રા દરમિયાન મોત થયું છે. શિલ્પાબેન ડાંખરા નામની મહિલા ખાનગી ટ્રાવેલ્સમાં અમરનાથની યાત્રા માટે ગયા હતા. હાલ તેમના મૃતદેહને શ્રીનગર ખાતે પી.એમ માટે લઈ જવામાં આવ્યો છે. અમરનાથમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનાં કારણે અનેક યાત્રિકો અટવાયા છે.


તાજેતરમાં વડોદરાના વામલી ગામના માજી સરપંચનું પણ થયું હતું મોત


 બાબા અમરનાથની યાત્રાએ ગયેલા વડોદરા શહેરના વેમાલી ગામના માજી પંચાયત સભ્ય રાજેન્દ્ર ભાટીયા અસહ્ય ઠંડીનો સામનો ન કરી શકતા થોડા દિવસ પહેલા મોતને ભેટ્યા હતા. વડોદરાના વેમાલી ગામમાં રહેતા રાજેન્દ્રભાઇ મોહનભાઇ ભાટીયા અમરનાથ યાત્રામાં ગયા હતા. તેઓની સાથે વેમાલી ગામમાં રહેતા રમણભાઇ પરમાર તેમજ હોમગાર્ડમાં ફરજ બજાવતી બે મહિલાઓ અને દુમાડ ગામના એક યાત્રાળુઓ પણ બાબા અમરનાથના દર્શને ગયા હતા. વેમાલી ગામના માજી સરપંચ રાજેન્દ્રભાઇ ભાટીયા સહિત તેઓની બસના યાત્રિકો પહેલગાંવથી બાબાની ગુફા તરફ યાત્રા શરૂ કરી દીધી હતી. પરંતુ, વાતાવરણ સારું ના હોવાથી યાત્રિકોને પંચતરણી ખાતે રોકી દેવામાં આવ્યા હતા. પંચતરણીમાં ભારે વરસાદ અને માઇનસ ડિગ્રી ઠંડી હોવાથી અનેક યાત્રીકોથી ઠંડી સહન ન થતાં બીમાર પડવાનું શરૂ થયું હતું. જેમાં વેમાલી ગામના રાજેન્દ્રભાઇ ભાટીયાની તબિયત બગડતા તેમનું મોત નીપજ્યું હતું. અમરનાથ યાત્રા દરમિયાન મોતને ભેટેલા રાજેન્દ્રભાઇ ભાટીયા વેમાલી ગામમાં સલુન ચલાવતા હતા. ઉપરાંત તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી હોમગાર્ડમાં પણ સેવા આપતા હતા. રાજેન્દ્રભાઇને પરિવારમાં પત્ની, બે દીકરી અને એક પુત્ર છે. ઉપરાંત ભાઇ-ભાભી સહિતનો બહોળો પરિવાર છે.  


અમરનાથ યાત્રાનો ટોલ ફ્રી નંબર


જો તમને આ પ્રવાસ સંબંધિત કોઈપણ પ્રકારની માહિતીની જરૂર હોય, તો તમે ટોલ ફ્રી નંબર 18001807198/18001807199 પર સંપર્ક કરી શકો છો.


બે રૂટથી થઈ શકે છે યાત્રા


બાબા અમરનાથની યાત્રા બે રૂટથી થઈ શકે છે. પહેલો પરંપરાગત રૂટ છે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં પહલગામ થઈને 48 કિમીનો અને બીજો મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં 14 કિમીનો ટૂંકો પણ ઊંચો બાલટાલ માર્ગ છે. અધિકારીઓએ જણાવ્યું કે યાત્રા બંને રૂટથી એક સાથે શરૂ થશે. ગયા વર્ષની મેન્યુઅલ પ્રક્રિયાને બદલે આ વખતે મુસાફરો માટે આધાર ઓથેન્ટિકેશન આધારિત ફોર્મ જનરેશન સિસ્ટમ બનાવવામાં આવી છે. ગયા વર્ષ સુધી મુસાફરોને જાતે જ ફોર્મ આપવામાં આવતા હતા. હવે ફોર્મ સિસ્ટમ જનરેટ આપવામાં આવે છે. તમામ ઇચ્છુક પ્રવાસીઓએ સમગ્ર ભારતમાં નિયુક્ત ડોકટરો પાસેથી આરોગ્ય પ્રમાણપત્રો મેળવવા જરૂરી છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial