ભાવનગર: રાજસ્થાનનાં ભરતપુર બસ દુર્ઘટનામાં ભાવનગરના વધુ એક મહિલા યાત્રિકનું મોત થયું છે. તમને જણાવી દઈએ કે, રાજસ્થાનના ભરતપુર નજીક યાત્રાની બસને ટ્રેલરે પાછળથી ટક્કર મારતા 12 ભાવનગરના યાત્રીઓના સ્થળ પર જ મોત થયા હતા. ત્યાર બાદ ભાવનગરમાં સારવાર દરમિયાન અન્ય 3 યાત્રાળુઓના મોત થયા હતા. જે મૃતકો તળાજાના દિહોર ગામના વતની હતા. જ્યારે આજે વધુ એક મહિલા સોનલબેન ધોયલનું નિધન થતા મોતનો આંકડો 16 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે, રાજસ્થાનના પુષ્કરથી ગોકુળ મથુરા દર્શન કરવા માટે બસ જઈ રહી હતી. એ દરમિયાન જયપુર હાઇવે પર ભરતપુર નજીક બસ ખરાબ થતા ઉભી રાખવામાં આવી હતી જ્યાં આ દુર્ઘટના ઘટી હતી.


રાજ્યમાં આજે ત્રણ જગ્યાએ પાણીમાં ડૂબવાની ઘટના સામે આવી છે. જેમાં ખેડા, ઉપલેટા અને જૂનાગઢનો સમાવેશ થાય છે. આ ઘટનામાં કુલ 6 લોકો પાણીમાં ડૂબ્યા છે. જેમાંથી 4 લોકોના મોત થયા છે જ્યારે બેની શોધખોળ ચાલી રહી છે.




ચોરવાડ ખાતે બે યુવાન પાણીમાં ડૂબ્યા




જૂનાગઢના ચોરવાડ ખાતે બે યુવાન પાણીમાં ડૂબ્યા છે. તળાવમાં કમળના ફૂલ તોડવા જતા બની દુર્ઘટના બની હતી. તળાવની અંદર રહેલા કાદવમાં ફસાઈ જતા યુવાનો ડૂબ્યા હતા. બંને યુવકોને બહાર કાઢી ચોરવાડ સરકારી  હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચોરવાડ સરકારી હોસ્પીટલના ફરજ પરના ડોકટર દ્વારા બંન્નેને મૃત જાહેર કરાયા હતા. બંને યુવકના મૃત્યુને લઈને ચોરવાડ શહેરમાં શોકનો માહોલ છવાયો છે. હાલમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.


ખેડાના ગળતેશ્વર મહીસાગર નદીમાં ત્રણ લોકો ડૂબ્યા


તો બીજી તરફ ખેડાના ગળતેશ્વર મહીસાગર નદીમાં ત્રણ લોકો ડૂબ્યા છે. નડિયાદના ત્રણ વ્યક્તિઓ મહીસાગર નદીમાં ડૂબ્યા છે. સામે આવેલી વિગતો અનુસાર આ તમામ લોકો નડિયાદમાં આવેલા અમદાવાદી બજારના રહેવાસી છે. મનીષ સોલંકી, પ્રકાશ સોલંકી અને જૈમિન સોલંકી નામના લોકો નદીમાં ન્હાવા ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી. હાલ સ્થાનિક તરવૈયાની ટીમ દ્વારા મનીષભાઈ સોલંકીનો મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. હજુ પણ પુત્ર અને પિતાની  શોધખોળ  કરવામાં આવી રહી છે.




રાજકોટના ઉપલેટામાં એક યુવક ડૂબ્યો


રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં નદીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે. ઉપલેટા તાલુકાના ગણોદ ગામે ભાદર નદીમાં માછીમારી કરતાં દેવીપુજક યુવકનું મોત નીપજ્યું છે. ગણોદ ગામના પાંચાભાઇ પરમાર નામના 38 વર્ષીય દેવીપુજક યુવક બીજા લોકો ભાદર નદીમાં સાથે માછીમારી કરવા ગયા હતા. માછીમારી કરતા કરતા અચાનક નીચે પડી જતા પાણીમાં ડૂબી જવાથી તેઓ મોતને ભેટ્યા હતા. મૃતકના મૃતદેહને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતા ઉપલેટા પોલીસ કોટેજ  હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.